રાજકોટનું દેરડી કુંભાજી ગામ હિબકે ચડ્યું છે. દેરડી કુંભાજી રહેતા ખાતરા પરિવારના ચાર- ચાર સભ્યોની અર્થી એકસાથે ઉઠી છે. સમગ્ર દેરડી કુંભાજી ગામ શોક મગ્ન થયું છે. સમગ્ર ગ્રામજનોએ કામ ધંધા બંધ પાડીને શોક વ્યક્ત કર્યો છે. કચ્છના લાકડીયા નજીક ચાર જૂનની (મંગળવારે) સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થવા પામી હતી.

આ ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઇ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દેરડી (કુંભાજી) ગામના ખાતરા પરિવારના ત્રણ અને બહેન, ફોઈ, સહિતના કુલ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.

અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરાતેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા, પુત્ર રૂદ્ર ભાવેશભાઈ ખાતરા, તેમજ ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઇ ગોરસિયા રહે. રાજકોટ, ફોઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા રહે. બગસરા સહિતના એક જ પરિવારના પાંચ લોકોના તથા દેરડી કુંભાજી ગામના ઈકો કાર ચાલક બહાદૂરભાઈ કાળુભાઇ સહિતના કુલ છ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા.

જ્યારે અકસ્માતની આ ઘટનામાં વૈદ ભાવેશભાઈ ખાતરા, વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગોરસિયા સહિતના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી છે.અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈના મૃતકોની સ્મશાન યાત્રા નીકળે એ પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો.આ ગોઝારી ઘટનામાં ગામના લોકો પણ શોકમગ્ન થઈ ગયા હતા. ગઈકાલે જ્યારે અકસ્માતના સમાચાર ગ્રામજનોને મળ્યા હતા ત્યારથી જ ગામના લોકોમાં એક દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે મૃતદેહ વહેલી સવારે દેરડી કુંભાજી ગામે પહોંચ્યા ત્યારે ભાવિક દ્રશ્યો સર્જાયા હતા તો મૃતકોના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.