રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 26ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે.તેમજ કફન ઓછા પડતાં લાશો ફેરવવા ચાદરો માંગવી પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ 23થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
લાશો એટલી હદે બળી ગઈ છે કે, પરિવાર પોતાના સ્નેહીને ઓળખી પણ શકે તેમ નથી. આથી તેમનું DNA કરવામાં આવી શકે તેવી માહિતી મળી રહી છે. આ ઉપરાંત, અનેક માતા પિતા તેના ભૂલકાઓને શોધી રહ્યા છે. માતાઓ ધ્રૂસકે ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે. હાલ આ સ્થળની બહાર કરૂણ દ્રશ્યો સર્જાયા છે. આ ઘટનામાં અનેક બાળકોના પણ મોત થયા હોવાની વાત સામે આવી રહી છે. જેને લઈને તેમના માતા પિતા તેમના બાળકોને શોધી રહ્યા છે અને આ આગની ઝપેટમાંથી બહાર આવે તેની ભીની આંખે રાહ જોઈ રહ્યા છે. આ ઘટના સામે આવતા બહાર ઉભેલા તમામ લોકોની આંખોમાં આશું આવી રહ્યા છે અને ઘટના સ્થળે કરૂણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.