દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પિતા અને બાળકો સાથે ચાંદની ચોક લોકસભા મતવિસ્તાર હેઠળના સિવિલ લાઈન્સ બૂથ પર પહોંચ્યા હતા.

મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે લોકો તાનાશાહી, મોંઘવારી અને બેરોજગારી સામે મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. તેમણે મતદારોને આ મુદ્દાઓ સામે મતદાન કરવા માટે આકરી ગરમી છતાં મતદાન મથકો પર પહોંચવાની અપીલ કરી હતી.

કેજરીવાલે કહ્યું કે મારા પિતા, મારી પત્ની અને મારા બંને બાળકોએ મતદાન કર્યું. આજે મારા માતા આવી શક્યા નહી કારણ કે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. મેં સરમુખત્યારશાહી, મોંઘવારી અને બેરોજગારી સામે મત આપ્યો છે. તેમણે કહ્યું કે હું તમામ મતદાતાઓને અપીલ કરવા માંગુ છું કે ખૂબ જ ગરમી હોવા છતાં ઘરે ન બેસો અને ચોક્કસ મતદાન કરો. સરમુખત્યારશાહી સામે મત આપો.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં સવારે 11 વાગ્યા સુધી 21.69 ટકા મતદાન થયું હતું. ચાંદની ચોકમાં 18.55%, પૂર્વ દિલ્હીમાં 22.41%, નવી દિલ્હીમાં 19.18%, ઉત્તર પૂર્વ દિલ્હીમાં 24.49%, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 22.67%, દક્ષિણ દિલ્હીમાં 21%, પશ્ચિમ દિલ્હીમાં 21.56% મતદાન થયું હતું.

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ મતદાન મથક પર મતદાન શરૂ કરવામાં ટેકનિકલ ખામીઓ અથવા વિલંબના કોઈ અહેવાલ નથી. દરમિયાન, CPI(M)ના નેતા બ્રિન્દા કરાતે, જેઓ નવી દિલ્હીની સેન્ટ થોમસ સ્કૂલમાં પોતાનો મત આપવા ગયા હતા, તેમણે કહ્યું હતું કે કેટલીક ખામીને કારણે તે પોતાનો મત આપી શકી નથી. તેમણે કહ્યું, ‘ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની બેટરી બગડી ગઈ હતી, તેથી હું વોટ ન કરી શકી પરંતુ હું ફરી આવીશ. તેમણે ચૂંટણી પંચની સિસ્ટમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.