દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પ્રેગ્નન્સીના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ દીપિકા મુંબઈમાં યોજાયેલી ચૂંટણીમાં વોટ આપવા ગઈ હતી. જ્યારથી દીપિકાની તસવીરો અને વીડિયો વાઇરલ થયા છે, ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને તેની પ્રેગ્નેન્સીને ફેક કહી રહ્યા છે. જો કે હવે તેના બચાવમાં ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે.
હાલમાં જ પત્રકાર ફેય ડિસોઝાએ દીપિકા પાદુકોણને સપોર્ટ કરતી એક પોસ્ટ રિલીઝ કરી હતી. તેણે લખ્યું હતું કે, પ્રિય સોશિયલ મીડિયા, દીપિકા પાદુકોણ પોતાની લોકતાંત્રિક ફરજ પૂરી કરવા બહાર આવી અને મતદાન કર્યું. તેઓએ તમારી પાસેથી શરીર અથવા ગર્ભાવસ્થા વિશે પ્રતિસાદ માગ્યો નથી. તમને તેમના જીવનની કોઈપણ બાબત પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી.
ફાયની પોસ્ટમાં ઘણા સેલેબ્સે દીપિકાને સપોર્ટ કર્યો છે. શ્રુતિ સેઠે કમેન્ટ કરીને લખ્યું છે કે, સદનસીબે દીપિકા પાદુકોણ દુનિયાને જીતવામાં વ્યસ્ત છે અને તે આ બધાથી પરેશાન નથી.તે તમારા વિચારોને અનુસરતી નથી. આ પોસ્ટને આલિયા ભટ્ટ, સોની રાઝદાન, રકુલ પ્રીત સિંહ, સોનાક્ષી સિંહા, ભૂમિ પેડનેકરે લાઈક કરી છે.
20 મેના રોજ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન હતું. આ દરમિયાન તમામ સેલેબ્સે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ સાથે જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ વ્હાઈટ ઓવરસાઈઝ શર્ટ પહેરેલી જોવા મળી હતી. તસવીરોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેની તસવીરો અને વીડિયો પર કમેન્ટ કરતી વખતે કેટલાક ટ્રોલર્સે લખ્યું કે દીપિકા પાદુકોણનો બેબી બમ્પ ફેક લાગે છે. બીજી તરફ, એક વર્ગ એવો હતો જે દીપિકાની ગર્ભાવસ્થા દરમિયાન મતદાન કરવા બદલ તેની પ્રશંસા કરી રહ્યો હતો.