જામનગર જિલ્લામાં જુદા- જુદા બંદરોથી માછીમારો માછીમારી અર્થે દરિયામાં જતા હોય છે. દરિયામાં અંદર ગયા બાદ વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની માહિતી સંબંધિત માછીમારોને ચેતવણી સંદેશો આપવો શક્ય નથી હોતો. દર વર્ષે જૂન માસથી દરિયામાં તોફાનનું પ્રમાણ વધે છે.
આ અંગે, મત્સ્યોદ્યોગ ખાતું અને પોર્ટ ઓફિસરશ્રીઓ દ્વારા માછીમારોને આ સીઝનમાં માછીમારી કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં, અનધિકૃત રીતે માછીમારો દરિયામાં અંદર જતા રહે છે, ત્યારે તેમનું જાનનું જોખમ નિવારવા માટે તેમને અનિવાર્યપણે દરિયામાં જતા અટકાવવા જરૂરી જણાય છે.
તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારથી લઈને ક્રીક વિસ્તાર સુધી કોઇપણ માછીમારોને કે અન્ય કોઈપણ વ્યક્તિઓને અવર- જવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. 1 જુન થી તા.31 જુલાઈ 2024 સુધી આ બંને વિસ્તારોમાં તમામ વ્યક્તિઓએ કોઈપણ હેતુસર દરિયામાં અવર- જવર કરવી નહીં. તેમજ કોઇપણ બોટને અંદર લઈ જવી નહીં.
પોર્ટ પર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી, અર્ધ લશ્કરી અને પોલીસ દળો, ગુજરાત મેરી ટાઇમ બોર્ડની બોટ્સ, સમક્ષ અધિકારી દ્વારા અવર- જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલી પેસેન્જર બોટ્સ, નોન મોટરાઇઝ ક્રાફટ, લાકડાંની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢ વાળી હોડી અને પગડીયા માછીમારોને ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ – 188 મુજબ સજાને પાત્ર થશે.