અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસાના સર્વે દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ફોટો પાડી રહેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા.
રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની 1128 મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. એ પૈકી કેટલીક મદરેસાઓમાં સહકાર ન મળી રહ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ સમયે દરિયાપુરમાં સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદમાં સરવે માટે ટીમ ગઈ એ સમયે એકાએક ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ. અને તેમણે શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, ભોગ બનનાર શિક્ષક અને આચાર્ય મંડળના સભ્યોએ દરિયાપુર પોલીસ સ્ટેશને જઈ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
જોકે, એવી પણ વાત સામે આવી છે કે મદરેસાના સંચાલકો સહકાર નથી આપી રહ્યા, આ ઉપરાંત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એક્ઠા થઈ જાય છે અને ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શિક્ષકોને અગાઉથી જ સૂચના આપવામાં આવેલી છે કે તેઓ જ્યાં સર્વે માટે પહોંચે ત્યાં મસ્જિદ બંધ હોય તો તેનો ફોટો પાડવો. દરિયાપુરમાં આ જ સૂચનને અનુસરતા શિક્ષક ફોટો પાડી રહ્યા હતા તે સમયે જ શરૂઆતમાં 4,5 લોકો અને જોતજોતામાં 100 જેટલા લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ અને ટોળાએ શિક્ષક પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ પોલીસે સુલતાન મહોલ્લા વિસ્તારમાં આવેલી મસ્જિદ અને આસપાસના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મસ્જિદના સંચાલકો અને સ્થાનિક અગ્રણીઓ પાસેથી પણ પોલીસ ઘટના અંગે જાણકારી મેળવી રહી છે. જેમા હુમલા કરનારા તોફાની તત્વો અંગે વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યુ છે કે આ પ્રકારે ડાયરેક્ટ ટીમ સર્વે કામગીરી માટે પહોંચી જતા લોકોની લાગણી દુભાતી હોય છે. આ અંગે જો વકફ બોર્ડને સૂચના આપવામાં આવે અને ત્યારબાદ બોર્ડની સૂચના બાદ સર્વે કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી પૂરતો સહકાર મળી રહે . આજ સાંજ સુધીમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી વિગતો એકત્ર કરવાની હોવાથી વકફ બોર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ સર્વે ટીમ દ્વારા કરાઈ રહ્યો છે.