કમોસમી વરસાદની વચ્ચે આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુરૂવારે રાજ્યના 13 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. જેમાં 43.6 ડિગ્રી સાથે ગુરૂવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. એટલુ જ નહીં આગામી સપ્તાહે અમદાવાદનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદમાં બુધવારે 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ. અને એક જ દિવસ એટલે કે 24 કલાકમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો.
અમદાવાદ જ નહીં ડીસાનું પણ મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે ભૂજમાં 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી. વડોદરામાં 42.2 ડિગ્રી, મહુવામાં 41.6 ડિગ્રી, અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભાવનગરમાં 41.1 ડિગ્રી, કેશોદમાં 40.5 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ હીટવેવની સંભાવના છે. IMDએ કહ્યું કે આ સ્થળોએ પણ હીટવેવ ચાલુ રહેશે. હવામાન વિભાગે 20 મેના રોજ પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાક સ્થળોએ તીવ્ર ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે. પંજાબમાં હીટ વેવને કારણે ગુરુવારે મહત્તમ તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં ગરમ હવામાન યથાવત છે.