કંગના રનૌતે ફરી એકવાર તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ પોસ્ટપોન કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી. હવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું- અમારું દિલ પ્રેમથી ભરેલું છે, જે પ્રકારનો પ્રેમ કંગના રનૌતને આજના સમયમાં મળી રહ્યો છે, તે આપણા બધા માટે જોવું ખૂબ જ સારી વાત છે.કંગનાએ આગળ લખ્યું, “કંગના હાલમાં તેના દેશની સેવામાં વ્યસ્ત છે. અને દેશ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા આ સમયે પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં મારી ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. અમે વચન આપીએ છીએ કે ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે ટૂંક સમયમાં અમે તમારી સામે આવીશું અને તમને નિરાશ નહીં કરીએ. તમે બધા જે પ્રકારનો સપોર્ટ કરો છો, એ કરતા રહો. ઇમરજન્સી ફિલ્મ જલ્દી રિલીઝ થશે.” લાગે છે કે કંગનાના ફેન્સે આ ફિલ્મ માટે હજી થોડી રાહ જોવી પડશે.

જણાવી દઈએ કે કંગના રનૌતની આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર આધારિત છે. કંગનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મ ‘ઇમરજન્સી’ મારા દિલની ખૂબ નજીક છે. ‘મણિકર્ણિકા’ પછી આ મારી બીજી દિગ્દર્શિત ફિલ્મ હશે. આ મોટા બજેટ અને પીરિયડ ડ્રામા ફિલ્મ માટે અમારી પાસે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ એકસાથે આવી છે.

મહત્વનું છે કે, કંગના રનૌતે ‘ઇમરજન્સી’ની રિલીઝ બે વાર મોકૂફ રાખી છે. અગાઉ આ ફિલ્મ 24 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તેના પછી એવું કહેવામાં આવ્યું કે, આ ફિલ્મ 14 જૂન 2024ના રોજ રિલીઝ થશે. હવે કંગના મંડી જિલ્લામાંથી ભાજપની ઉમેદવાર હોવાથી દેશની સેવા કરવી તેની ફરજ છે. તેથી, શક્ય છે કે કંગના ચૂંટણી પરિણામો આવ્યા પછી તેની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરે. ફેન્સ રાહ જોઈ રહ્યા છે.