સુપ્રીમ કોર્ટે બુધવારે UAPA કેસમાં ન્યૂઝ ક્લિક એડિટર પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેમજ કોર્ટે પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
વાસ્તવમાં દિલ્હી પોલીસે ન્યૂઝ ક્લિકમાં પુરકાયસ્થની ચીનના ફંડિંગથી ભારત વિરોધી ગતિવિધિઓના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં હતા. પુરકાયસ્થે દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
કોર્ટે શું કહ્યું?
એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે રિમાન્ડ અરજીની નકલ પુરકાયસ્થ અને તેમના વકીલને 4 ઓક્ટોબર, 2023ના રોજ રિમાન્ડ ઓર્ડર જારી કરવામાં આવી તે પહેલાં આપવામાં આવી ન હતી. મતલબ કે ધરપકડનું કારણ તેમને લેખિતમાં જણાવવામાં આવ્યું ન હતું.
કોર્ટે મુક્તિ માટે શરતો નક્કી કરી
સુપ્રીમ કોર્ટે પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને કાયદાની નજરમાં ગેરકાયદેસર ગણાવીને તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો. જો કે, કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેથી તેની મુક્તિ ટ્રાયલ કોર્ટના સંતોષ માટે જામીન અને બોન્ડ રજૂ કરવા પર નિર્ભર રહેશે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ 30 એપ્રિલે આ કેસની સુનાવણી પૂરી કરી હતી. પુરકાયસ્થ ગયા વર્ષે 3 ઓક્ટોબરથી UAPA હેઠળ જેલમાં હતા. કપિલ સિબ્બલે કોર્ટમાં પુરકાયસ્થ વતી દલીલો રજૂ કરી હતી.
ન્યૂઝ ક્લિક કેસમાં શું છે આરોપ?
દિલ્હી પોલીસની એફઆઈઆર અનુસાર, ન્યૂઝ પોર્ટલને ભારતની સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ વિરુદ્ધ અસંતોષ પેદા કરવા માટે મોટી રકમ મળી હતી પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) – એક જૂથ સાથે પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું.