શુભમન ગિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર સદી ફટકારી હતી. તેની ટીમ આ મેચ જીતી ગઈ હતી, પરંતુ મેચ બાદ BCCIએ તેને અને તેની ટીમને મોટો ઝટકો આપ્યો હતો.
IPLમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિજય સાથે ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી છે. આ દરમિયાન BCCIએ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં શુબમન ગિલને શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
શુભમન ગિલ પર પ્રતિબંધની ધમકી!
BCCI અને IPL એ દંડની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં નોંધ્યું હતું કે ધીમા ઓવર રેટના ઉલ્લંઘનને લગતી IPLની આચાર સંહિતા હેઠળ તે ટીમનો સીઝનનો બીજો ગુનો હતો. જેના કારણે, ઉલ્લંઘનની ગંભીરતાને દર્શાવતા, ગિલ પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં, આઈપીએલના નિયમો અનુસાર, ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકાના વ્યક્તિગત દંડનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, જો શુભમન ગિલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ ફરી એકવાર આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો ગિલ પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે.
કેવી રહી મેચ?
ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે તેની ટીમને પોઈન્ટ ટેબલમાં નેટ રન રેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા જીટી ટીમે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ મેચમાં શુભમને 55 બોલમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને સાઈ સુદર્શને 51 બોલમાં 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
જ્યારે બીજી ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો હતો અને આ મેચમાં તેમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. જોકે મિચેલ અને મોઈને વચ્ચેની ઓવરોમાં એકસાથે કેટલાક રન બનાવ્યા હતા, પરંતુ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 196 રન સુધી જ પહોંચી શકી હતી અને જીટીએ આસાનીથી મેચ જીતી લીધી હતી.