બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં જ એક પ્રખ્યાત કોમેડી શોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કરણે આ શોનો પ્રોમો જોયો હતો, જેમાં કોમેડિયન કેતન સિંહ તેની ખરાબ રીતે નકલ કરી રહ્યો હતો. કરણ તેની માતા સાથે બેસીને આ પ્રોમો જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં કરણે ગઈ કાલે એટલે કે 5 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કરણે તેની પોસ્ટમાં તે કોમેડિયનનું નામ લખ્યું ન હતું. પરંતુ હવે કોમેડિયન કેતન સિંહે પોતે સામે આવીને કરણની પોતાની હરકતો બદલ માફી માંગી છે.
કરણને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો
કોમેડિયન કેતન સિંહે કરણની માફી માંગી અને કહ્યું, ‘હું કરણ જોહર સરની માફી માંગુ છું. સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે હું જે પણ એક્ટિંગ કરું છું તે કોફી વિથ કરણ શો જોયા પછી કરું છું. હું કરણને આ શોમાં ખૂબ જોઉં છું, હું તેના કામનો ઘણો મોટો પ્રશંસક છું. મેં તેની લેટેસ્ટ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 5 થી 6 વખત જોઈ છે. હું તેના કામ અને તેના શોનો મોટો પ્રશંસક છું. તેને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો બિલકુલ નહોતો. હું તેની માફી માંગુ છું.
જો મેં કંઇક ખોટું કર્યું હોય તો મને માફ કરો
કેતને વધુમાં કહ્યું, ‘જો મારાં કાર્યોથી તેમને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગુ છું. હું ફક્ત મારા દર્શકોનું મનોરંજન કરવા માંગતો હતો, બસ. પરંતુ જો મારાથી અજાણતા કંઇક ખોટું થયું હોય તો હું માફી માંગુ છું. આ પછી કેતને કહ્યું, ‘ચોક્કસ સાહેબે આખો એપિસોડ જોયો નથી, તેમણે માત્ર પ્રોમો જ જોયો છે. હું એપિસોડ જોયા પછી કરણ સર અને જનતાની પ્રતિક્રિયા જોવા માંગુ છું. બીજા ઘણા કોમેડિયન કરણ સરની નકલ કરે છે. મેં આ અગાઉ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ કર્યું હતું.