મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વેપારીઓનો રૂ. ૧૦ની ચલણી નોટની અછત અંગેનો પ્રશ્ન ઉકેલ કરતા જિલ્લામાં ૫૦ લાખ રકમની રૂ. ૧૦ ની ચલણી નોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપની કામગીરી અંતર્ગત મોરબી શહેરના રિટેલ એસોસિએશન જેવા કે રેડીમેડ ગારમેન્ટ, અનાજ-કરિયાણા માર્કેટ, સોના-ચાંદીના વેપારી, બાર એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ, વાળંદ એસોસિએશન એમ વિવિધ એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વે વેપારીઓ, તેમના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન કલેક્ટર તરીકે તેમના કોઈ પ્રશ્નો હોય તો તે અંગે મેં પૃચ્છા કરી હતી. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં બજારમાં રૂ. ૧૦ ની ચલણી નોટ ખૂબ ઓછી દેખાઈ રહી છે. કલેક્ટર તરીકે મારી ફરજમાં આવતું હોવાથી તેમની આ રજૂઆતના ૩૬ કલાકની અંદર જ તેમની માંગણી પૂરી કરી ગઈ કાલે સાંજે જ રૂ. ૫૦ લાખ રકમની રૂ. ૧૦ ની ચલણી નોટ મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવી ગઈ છે. હજી વધારાની રૂ. ૧૦ અને ૨૦ ની ચલણી નોટો થોડા સમયમાં બેંકમાં આવશે. વેપારીઓ હોય કે સામાન્ય નગરજન હોય તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્વીપની કામગીરી અંતર્ગત જિલ્લાના વેપારી એસોસિએશન સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી. આ બેઠક અન્વયે કલેક્ટરશ્રીએ જિલ્લાના વેપારી એસોસિએશનને કોઈ પ્રશ્નો હોય તો તે રજૂ કરવા જણાવ્યું હતું. જે અન્વયે વેપારીઓ દ્વારા જિલ્લામાં રૂ. ૧૦ ની ચલણી નોટની અછત હોવા અંગે વાત કરી હતી. જે પ્રશ્ન જિલ્લા કલેક્ટરશ્રીએ ધ્યાનમાં લઈ તેનું તાત્કાલિક નિરાકરણ કર્યું છે.