સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસના એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર આરોપીનું નામ અનુજ થાપન છે, જેના પર શૂટર્સને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે.
મુંબઈ પોલીસના સૂત્રએ જણાવ્યું હતું કે, આરોપી અનુજ થાપને ચાદર વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈની સ્પેશિયલ કોર્ટે સોમવારે બાંદ્રામાં એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA)ના વિશેષ ન્યાયાધીશ એએમ પાટીલે આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32)ને પોલીસ કસ્ટડીમાં અને સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (37) ને મેડિકલ ગ્રાઉન્ડ પર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.