ગુજરાત: પોરબંદર નજીકના સમુદ્રમાં ‘અલરઝાદ’ બોટમાં 602 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 14 પાકિસ્તાનીઓને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચોથી મે સુધીના રીમાન્ડ મંજૂર થયા છે. જ્યારે મહારાષ્ટ્રના પકડાયેલા બે ડ્રગ પેડલરોને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દેશની સુરક્ષા એજન્સીઓ કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને એનસીબીએ અરબી સમુદ્રમાં મહા ઓપરેશન હાથ ધરીને પોરબંદર નજીકના દરિયામાંથી 86 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની ક્રુ મેમ્બર્સને પકડી પાડયા હતા. અને 14 શખ્સોનો કબ્જો લઈ ભારતીય સુરક્ષા એજન્સીની ટીમે પોરબંદરના બંદરેથી એસ.ઓ.જી.ની ઓફિસ ખાતે સોંપી દીધા હતા.
પાકિસ્તાનથી ડ્રગ્સ લાવનારા ડ્રગ્સ પેડલરોમાં 19 વર્ષના યુવાનથી માંડીને 65 વર્ષના વૃધ્ધનો સમાવેશ થયો હતો. પાકિસ્તાનના ડ્રગ માફિયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ મારફતે કરાંચી બંદરેથી આ નશીલો પદાર્થ લઇને નીકળ્યા હતા. અને શ્રીલંકા પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલા જ રસ્તામાં ફાયરિંગ કરીને કોસ્ટગાર્ડની ટીમે બોટને પકડી પાડી હતી. અને 86 કિલો નશીલો પદાર્થ કે જેની કિંમત 602 કરોડ રૂપિયા થાય છે. તે કબ્જે કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા અત્યાર સુધીમાં કેટલો માલ મોકલવામાં આવ્યો અને ક્યાં ક્યાં તેની સપ્લાય કરવામાં આવી સહિતની વિગતો મેળવવામાં આવશે.