Virubhai Ahir AAP: આમ આદમી પાર્ટીના ભાડથર જિલ્લા પંચાયતના સભ્ય વિરુભાઈ આહિરે મુખ્યમંત્રીના દ્વારકા પ્રવાસ પૂર્વે હૃદયપૂર્વક વિનંતી કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે તે શ્રદ્ધાનો વિષય છે અને ખૂબ સારી બાબત છે, પરંતુ તેઓ બાય રોડ મુસાફરી કરે ત્યારે કંપનીઓ દ્વારા ખોલવામાં આવેલા મીડિએટર તેમજ દ્વારકાથી પોરબંદર જતા કુરંગા ગોલાઈ પાસે નેશનલ હાઈવેની મંજૂરીથી ચાલતા કામોમાં યોગ્ય સેફ્ટી ટૂલ્સ છે કે નહીં તેની ખાસ નોંધ લે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતના નાથ તરીકે તેમના પર પૂરો ભરોસો છે, પરંતુ અહીં કંપનીઓ દ્વારા ખેડૂતોને ભારે હેરાનગતિ કરવામાં આવી રહી છે; અધિકારીઓએ કંપનીઓને ખોટા કામ બદલ ૨૦ જેટલી નોટિસ આપી હોવા છતાં તેનું પરિણામ શૂન્ય આવ્યું છે, તેથી મુખ્યમંત્રી આ કંપનીઓના દૂષણમાંથી દ્વારકાના પીડિત ખેડૂતોને ઉગારે.

વિરુભાઈ આહિરે દુષ્કાળની ગંભીર સ્થિતિ અંગે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, હાલ વિસ્તારમાં પીવાનું પાણી કે યોગ્ય ઘાસચારો મળી રહ્યો નથી અને દુષ્કાળ જાહેર કરાયો હોવા છતાં તેનું મેન્યુ ન હોવાથી હજુ સુધી પાણીના ટેન્કરોની વ્યવસ્થા પણ શરૂ થઈ નથી. જેમ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાં ઘરે-ઘરે ગયા હતા તેમ અડધો કલાકનો સમય કાઢીને દ્વારકાના ખેડૂતોના ઘરે, ખેતરોમાં તેમજ નદી-નાળા અને ડેમમાં એક વખત ચક્કર મારે તો તેમને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે તેમના રાજમાં શું થઈ રહ્યું છે. તેમણે બે હાથ જોડીને વિનંતી કરી હતી કે મુખ્યમંત્રી દ્વારકાના ખેડૂતો સામે જુએ અને હેરાનગતિ કરતી કંપનીઓ સામે યોગ્ય કડક પગલાં ભરે.