spain: બુધવારે રાત્રે સ્પેનના ઇબિઝા (Ibiza) દરિયાકાંઠે આઠ ભારતીય નાવિકોને લઈ જતું ‘એમટી મેડ એમરે’ (MT Med Emre) નામનું ટેન્કર ડૂબી ગયું હતું. જહાજ પર સવાર તમામ આઠ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે ગુરુવારે આ માહિતી આપી હતી.

‘X’ (અગાઉનું ટ્વિટર) પર સોનોવાલે જણાવ્યું હતું કે, તમામ આઠ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને તેમને તબીબી સારવાર માટે સ્પેનની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, જહાજ ડૂબી જાય તે પહેલાં જ નાવિકોએ તેને છોડી દીધું હતું. તેમણે વધુમાં કહ્યું, “અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને અમારા નાવિકોની સતત સુરક્ષા, તબીબી સહાય અને સંભાળ સુનિશ્ચિત કરવા માટે ક્રૂ મેનેજરના સતત સંપર્કમાં છીએ.”

ટેન્કર બાર્સેલોના જઈ રહ્યું હતું
માલ્ટાનો ધ્વજ ધરાવતું આ કેમિકલ અને ડીઝલ ટેન્કર દક્ષિણ સ્પેનના અલ્ગેસિરાસ (Algeciras) થી બાર્સેલોના જઈ રહ્યું હતું. તેમાં આશરે ૭,૦૦૦ ટન ડીઝલ ભરેલું હતું. જહાજ પર કુલ ૧૭ ક્રૂ સભ્યો સવાર હતા. સ્પેનની દરિયાઈ બચાવ સેવાએ તમામ ૧૭ વ્યક્તિઓને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા; જોકે, હોસ્પિટલમાં લઈ ગયા બાદ એક ક્રૂ સભ્યનું મૃત્યુ થયું હતું.