Gujarat Operation Health: ગુજરાતમાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘Operation Health’ અંતર્ગત રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો તેમજ મુખ્ય હાઈવે પર આવેલી હોટેલોમાં સઘન ચેકિંગ કર્યું છે. આ અભિયાન હેઠળ કુલ 1,477 સ્થળોની તપાસ કરવામાં આવી છે.
786 આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમોની તપાસ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 786 એકમોની તપાસ કરવામાં આવી છે. જેમાં 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં માત્ર ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંને પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.
ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને તેમને યોગ્ય માહિતી મળે તે માટે સંબંધિત એકમોમાં ફરજિયાત માહિતી બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકાય નહીં.
175 હાઈવે હોટેલોમાં ગંદકી અને અસ્વચ્છતા મળી
રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી કુલ 691 હોટેલોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસવાની ખામીઓ સામે આવી હતી.
આ તમામ હોટેલ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ સંચાલકોએ સ્વયંભૂ રીતે હોટેલો બંધ રાખીને સફાઈ કરી અને ફૂડ સેફ્ટીના કાયદા મુજબ જરૂરી સુધારા કર્યા હતા. જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય 516 હોટેલોને પણ વધુ સુધારા કરવા સૂચના આપવામાં આવી છે.
14 હોટેલમાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો નાશ
તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા આ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ તેના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.
જો લેબોરેટરીના રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે અથવા ગંભીર ખામી સામે આવશે, તો સંબંધિત હોટેલ સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. જરૂર પડ્યે એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે.
હોટેલ અને હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા ફરજિયાત
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે મહાનગરપાલિકા વિસ્તાર હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે.
ખાણીપીણીના એકમોમાં કામ કરતા સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાત હેન્ડ ગ્લોવ્ઝ અને માથા પર કેપ પહેરવાની રહેશે. આ ઉપરાંત ખોરાકની સ્વચ્છતા અને સલામતી સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
‘ઓપરેશન હેલ્થ’ અભિયાન સતત ચાલુ રહેશે
મંત્રી પાનશેરીયાએ નાગરિકોને પણ જાગૃત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
હવે પછી કોઈ હોટેલ કે ખાણીપીણીના એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવશે અથવા ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે.
નાગરિકોને હોટેલનાં રસોડાંની સ્વચ્છતા અને ખુલ્લામાં રાખવામાં આવતા ખોરાક અંગે સવાલ ઉઠાવવા તેમજ ગંદકી કે બેદરકારી જણાય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જિલ્લા કચેરીમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદ મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.




