KIdnapping on Mehsana railway station: ગુજરાતના મહેસાણા રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. એક અજાણ્યા યુવકે પહેલાં બાળકની માતાનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ નાસ્તો આપવાના બહાને ત્રણ વર્ષના રાહુલને પોતાની સાથે લઈ ફરાર થઈ ગયો હતો. લાંબા સમય સુધી બાળકની શોધખોળ કર્યા બાદ માતા રેશ્માબેને મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને બાળકને શોધવા માટે ચારથી પાંચ ટીમો બનાવવામાં આવી છે. રેલવે સ્ટેશન તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ ફરિયાદ મુજબ, રેશ્માબેન રામસિંહ મારવાડી (40) મૂળ કર્ણાટકના હુબલી-ધારવાડના સોનુર ગામનાં રહેવાસી છે અને હાલમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહે છે. તેઓ પોતાના બે બાળકો ત્રણ વર્ષના રાહુલ અને બે વર્ષની સૌનાનું ભરણપોષણ કરે છે.
અંગત વિવાદને કારણે પતિ રામસિંહે તેમને છોડી દીધા હતા. છેલ્લા દોઢ વર્ષથી રેશ્માબેન બંને બાળકો સાથે અમદાવાદમાં બાપુ હોટલ પાસે ફૂટપાથ પર રહેતાં હતાં.
ટ્રેન બદલવા મહેસાણા સ્ટેશન પર ઉતર્યાં હતાં
ફરિયાદ અનુસાર, દિવાળીના બીજા દિવસે સોમવારે રેશ્માબેન બંને બાળકો સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી પતિના ગામ લોટીવાડા જવા માટે ટ્રેનમાં બેઠાં હતાં. મુસાફરી દરમિયાન ઊંઘી ગયાં હતાં.
ટ્રેન મહેસાણા સ્ટેશન પર પહોંચતાં તેમને જાણ થઈ કે ટ્રેન પાટણ થઈને જોધપુર તરફ જઈ રહી છે, જ્યારે તેમને સિરોહી તરફ જવાનું હતું. જેથી તેઓ બંને બાળકો સાથે મહેસાણા સ્ટેશન પર ઉતરી ગયાં હતાં.
ત્યારબાદ તેઓ પ્લેટફોર્મ નંબર 4 અને 5ની ઉત્તર બાજુએ આવેલા સ્ટોલ પાસે બેઠાં હતાં. ત્યાં આશરે 25થી 30 વર્ષનો એક અજાણ્યો યુવક પણ બેઠો હતો.
બાળકોને ચા-નાસ્તો આપીને માતાનો વિશ્વાસ જીત્યો
રેશ્માબેનના જણાવ્યા મુજબ, તેમણે યુવક પાસેથી વિમલ ગુટખાનાં બે પેકેટ લીધાં હતાં. ત્યારબાદ યુવક ધીમે ધીમે બાળકો સાથે ભળવા લાગ્યો હતો.
યુવકે નજીકના સ્ટોલ પરથી બાળકોને ચા અને નાસ્તો પણ અપાવ્યો હતો. બાળકો સાથે તેનું વર્તન જોઈને માતાને તેના પર વિશ્વાસ બેઠો હતો.
સાંજે આશરે 5 વાગ્યે ત્રણ વર્ષના રાહુલને ભૂખ લાગતાં યુવક તેને નાસ્તો અપાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. માતાને લાગ્યું હતું કે યુવક થોડીવારમાં બાળકને લઈને પરત આવશે, પરંતુ એક કલાક વીતી જવા છતાં તે પાછો ફર્યો નહોતો.
માતાએ અનેક રેલવે સ્ટેશનો પર બાળકની શોધખોળ કરી
યુવક અને બાળક પરત ન આવતાં રેશ્માબેને પ્લેટફોર્મ તથા રેલવે સ્ટેશનના પરિસરમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે, બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો.
માતાને આશા હતી કે યુવક બાળકને નજીકના પોલીસ સ્ટેશનમાં છોડી ગયો હશે. આ આશા સાથે તેઓ ટ્રેનમાં બેસીને આબુ રોડ પહોંચ્યાં હતાં. ત્યારબાદ મહેસાણા, અમદાવાદ અને પાલનપુર સહિતનાં રેલવે સ્ટેશનો પર પણ પુત્રની શોધ કરી હતી, પરંતુ રાહુલ મળ્યો નહોતો.
આખરે તેમણે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
બાળકની શોધ માટે પોલીસની 4થી 5 ટીમો તૈનાત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા રેલવે પોલીસે તપાસ તેજ કરી છે.
- બાળકની શોધ માટે ચારથી પાંચ પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
- મહેસાણા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
- શંકાસ્પદ યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
- અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડવામાં આવી છે.
- પોલીસની અલગ-અલગ ટીમો વિવિધ દિશામાં બાળકની શોધખોળ કરી રહી છે.
તપાસ અધિકારી જે.જી. દેસાઈના જણાવ્યા અનુસાર પોલીસ અપહરણ કરાયેલા બાળકને શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં ત્રણ વર્ષના રાહુલ અને શંકાસ્પદ યુવકની શોધખોળ ચાલુ છે.




