Manoj Sorathia AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને લગભગ આટલી મોંઘવારી ક્યારેય નહોતી તેવી પરિસ્થિતિ આજે આપણને જોવા મળી રહી છે. હમણાં જ વીતેલા તહેવારોમાં લોકો માટે તહેવારો કરવો અને ઉજવવો પણ એક બહુ મોટો પ્રશ્ન સાબિત થયો હતો, અને આવા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી એક સમયે મોંઘવારીને ‘ડાયન’ કહેતી હતી, તે જ ભારતીય જનતા પાર્ટી માટે આજે મોંઘવારી ‘ડાર્લિંગ’ બની ગઈ છે.
’આપ’ નેતા Manoj Sorathiaએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગતરોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આગામી ૨૫ નવેમ્બરે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રદર્શન કરશે અને રજૂઆત કરશે; આ મોંઘવારી બાબતે સરકારે હવે બોલવું પડશે અને મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકારે નક્કર પગલાં લેવા પડશે તેમ મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું.




