Gujarat Congress News: ગુજરાત સહિત દેશનાં 15 રાજ્યોમાં SD Pay અને Apna Pay નામની ડિજિટલ વોલેટ એપ્સ મારફતે થયેલી કથિત નાણાકીય છેતરપિંડીનો મુદ્દો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 6.53 લાખથી વધુ પરિવારો સાથે કુલ ₹1,211 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં તપાસ એજન્સીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

પત્રકાર પરિષદને સંબોધતા સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે CBI, ED અને ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO) જેવી એજન્સીઓ આ મામલે અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. તેમના જણાવ્યા અનુસાર, આ કથિત કૌભાંડ 2024થી 2026 દરમિયાન ચાલ્યું હતું. તેમણે દાવો કર્યો કે 6.53 લાખથી વધુ અસરગ્રસ્ત પરિવારોમાંથી 5.25 લાખ પરિવારો ગુજરાતના છે, જ્યારે અન્ય પરિવારો 14 રાજ્યોમાં ફેલાયેલા છે. આ મામલે કુલ 18 FIR નોંધાઈ હોવાનું અને તેમાંથી 13 ગુજરાતમાં નોંધાયાનું પણ તેમણે જણાવ્યું હતું.

₹1,211 કરોડનું કૌભાંડ ₹3,000 કરોડ સુધી પહોંચી શકે: સુરજેવાલા

સુરજેવાલાએ આશંકા વ્યક્ત કરી હતી કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો છેતરપિંડીની કુલ રકમ ₹3,000 કરોડ સુધી પહોંચી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, આ કથિત કૌભાંડની શરૂઆત 2024-25 દરમિયાન ઉત્તર ગુજરાતમાં થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં ફેલાયું હતું.

આરોપીઓએ સેમિનાર અને આક્રમક માર્કેટિંગ દ્વારા લોકોને રોકાણ કરવા માટે આકર્ષ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે. લોકોને નાણાં જમા કરાવવાના બદલામાં અનેક ગણા વળતરની લાલચ આપવામાં આવતી હતી. સુરજેવાલાએ કહ્યું કે આ લાલચમાં અનેક પરિવારો પોતાની જીવનભરની બચત ગુમાવી બેઠાં છે.

ફ્લેટ વેચીને રોકાણ કર્યું, પરિવારની બચત પણ ગુમાવી

સુરજેવાલાએ વડોદરાના એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે એક કોલેજ વિદ્યાર્થી અને તેના માતા-પિતાએ પોતાનો એક બેડરૂમનો ફ્લેટ વેચીને ₹9.80 લાખનું રોકાણ કર્યું હતું. વિદ્યાર્થીની માતા શિક્ષિકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બીજા કિસ્સામાં સુરેન્દ્રનગરના એક નોકરીયાત વ્યક્તિ અને તેની પત્નીએ મળીને ₹60 લાખ ગુમાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આવા અનેક પરિવારો આજે પોતાની રકમ પરત મેળવવા માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

પૈસા બેંકિંગ ચેનલથી ટ્રાન્સફર થયા તો જપ્ત કેમ ન થયા?

સુરજેવાલાએ સરકાર સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે જો આ નાણાં બેંકિંગ ચેનલો મારફતે ટ્રાન્સફર થયા હતા, તો અત્યાર સુધી તેને શોધીને જપ્ત કેમ કરવામાં આવ્યા નથી? તેમણે આ કથિત છેતરપિંડી પાછળ કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓનું રક્ષણ હોવાની શક્યતા અંગે પણ સવાલ કર્યો હતો.

તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારને પીડિતોના નાણાં પરત અપાવવા માટે વિશેષ ભંડોળ બનાવવાની માંગ કરી હતી. સાથે જ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પીડિતો પાસેથી સહીઓ એકત્ર કરશે કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ સમિતિ આ મામલે પીડિતોને એક મંચ પર લાવવાની તૈયારી કરી રહી છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ દ્વારા એક અરજી તૈયાર કરવામાં આવશે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારોની વિગતો અને તેમના નાણાકીય નુકસાનની માહિતી એકત્ર કરવામાં આવશે.

આ અરજી પર પીડિતોની સહીઓ મેળવીને ગુજરાત સરકાર અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી તેમની રકમ પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે.

SD Payના માલિક ધવલ પટેલ સહિત 12 આરોપીઓની ધરપકડ

બીજી તરફ અમરેલી પોલીસના જણાવ્યા અનુસાર, આ કથિત કૌભાંડમાં SD Pay એપના માલિક ધવલ પટેલ સહિત સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ધવલ પટેલ સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સાત શેલ કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓ સાથે જોડાયેલા 17 બેંક ખાતાંમાં ₹1,060 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ નાણાકીય વ્યવહારોનાં તાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી પહોંચ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

હાલ પોલીસ આ સમગ્ર નાણાકીય વ્યવહાર, અન્ય સંભવિત આરોપીઓ અને પીડિતોની રકમ ક્યાં ગઈ તેની તપાસ કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે પીડિતોને ન્યાય અને તેમના નાણાં પરત અપાવવા માટે સરકાર પર દબાણ વધાર્યું છે.