Bangladesh: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વકીલે તેમના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. તેમના વકીલે દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનને એક ફોલો-અપ પત્ર મોકલીને અરજીની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી માંગી છે. આ ઉપરાંત, એક અધિકૃત પત્ર (ઓથોરાઈઝેશન લેટર) પણ જોડવામાં આવ્યો છે, જેના દ્વારા વકીલને તેમના વતી કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

લંડન સ્થિત ‘મેટ્રિક્સ ચેમ્બર્સ’ના વકીલ સ્ટીવન પોલ્સ કેસી (Steven Powles KC) એ ૧૯ નવેમ્બરે બાંગ્લાદેશી રાજદ્વારી મિશનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ૯ નવેમ્બરે દાખલ કરવામાં આવેલી પ્રારંભિક અરજીની સ્થિતિ વિશે માહિતી માંગી છે. તેમણે મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હાઈ કમિશને અરજી મળી હોવાની પુષ્ટિ તો કરી હતી, પરંતુ સાથે જ તેમના કાનૂની પ્રતિનિધિત્વની ચકાસણી કરવાની માંગ પણ કરી હતી.

પોલ્સે પત્રમાં જણાવ્યું, “હું આ સાથે તેમના વતી કાર્યવાહી કરવા માટે સત્તા આપતો એક હસ્તાક્ષરિત પત્ર (ઓથોરાઈઝેશન લેટર) જોડી રહ્યો છું.” તેમણે આશા વ્યક્ત કરી કે આ અંગે જલ્દી જવાબ મળશે.

શેખ હસીના દ્વારા હસ્તાક્ષરિત અધિકૃત પત્ર રજૂ કરાયો
૯ નવેમ્બરની તારીખ ધરાવતા આ અધિકૃત પત્ર પર શેખ હસીનાના હસ્તાક્ષર છે. આ પત્ર દ્વારા તેમણે સ્ટીવન પોલ્સને તેમના વતી નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ મેળવવાની પ્રક્રિયા આગળ વધારવા માટે અધિકૃત કર્યા છે. દસ્તાવેજમાં શેખ હસીનાને બાંગ્લાદેશી નાગરિક તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે હાલમાં ભારતમાં રહે છે. તેમાં તેમના જન્મસ્થળ તરીકે ‘તુંગીપાડા’ અને જન્મ તારીખ તરીકે ૨૮ સપ્ટેમ્બર, ૧૯૪૭નો ઉલ્લેખ છે.

ઢાકાનું વલણ શું છે?
આ તાજેતરનો પત્રવ્યવહાર એવા સમયે થયો છે જ્યારે ઢાકાના સત્તાવાળાઓએ તેમની અગાઉની અરજી ફગાવી દીધી હતી. બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુન કબીરે સ્પષ્ટ કર્યું હતું કે તેમને મુસાફરીના દસ્તાવેજો (ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ) આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, તેમનો દેશ “આતંકવાદીઓ” કે “ભાગેડુ ગુનેગારો”ને પાસપોર્ટ જારી કરતો નથી. તેના બદલે, કબીરે માંગ કરી છે કે બંને દેશો વચ્ચે અમલી દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ (extradition treaty) હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવામાં આવે. ઢાકાનું માનવું છે કે તેમની વાપસી સામાન્ય મુસાફરી પ્રક્રિયા દ્વારા નહીં, પરંતુ ઔપચારિક પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા થવી જોઈએ.