Gopal Italia: આમ આદમી પાર્ટી(AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિસાવદર ધારાસભ્યના કાર્યાલય ખાતે વેકેશન દરમિયાન નિઃશુલ્ક આધાર કાર્ડ સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ તરફથી તારીખ ૧૩ થી ૧૭ સુધીની મંજૂરી મળી હતી, પરંતુ મોટી સંખ્યામાં લોકોએ આ સુવિધાનો લાભ લીધો હોવાથી સરકાર તરફથી વધુ પાંચ દિવસની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૭૫ જેટલા નાગરિકોએ કાર્યાલયની મુલાકાત લીધી છે, જેમાંથી અંદાજે ૧૫૦ જેટલા લોકોનું આધાર કાર્ડ સુધારા-વધારાનું કામ સંતોષકારક રીતે અને સંપૂર્ણ મફતમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. જે લોકોના ચૂંટણી કાર્ડમાં નામ, ગેઝેટ અથવા જન્મતારીખના દાખલા જેવા દસ્તાવેજોમાં ખામી છે, તેમનું કામ હાલ બાકી છે; પરંતુ જેમના દસ્તાવેજો પૂરતા છે તેમને લાઈનમાં ઊભા રહ્યા વગર કે ધક્કા ખાધા વગર શાંતિથી પંખા નીચે બેસીને ચા પીતા-પીતા આ કામ કરી આપવામાં આવ્યું છે.
વધુમાં Gopal Italiaએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં લગભગ કોઈપણ ધારાસભ્યની ઓફિસે આધાર કાર્ડ સુધારા-વધારાનું કામ થતું નથી, પરંતુ કેન્દ્ર સરકારના સહયોગથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાને આ સુવિધા મળી રહી છે. આ ઉપરાંત વિસાવદર કાર્યાલય ખાતે ખેડૂતો માટે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા પણ નિઃશુલ્ક કાઢી આપવાની કામગીરી સતત ચાલુ જ છે. સરકારી કચેરીઓ કરતાં પણ વધુ સારી સુવિધા, વ્યવસ્થા અને સકારાત્મક અનુભવ પૂરો પાડવાના આ પ્રયાસમાં સહયોગ આપવા બદલ તેમણે જનતાનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યાલયની મુલાકાત લેતા રહેવા તેમજ સમર્થન અને આશીર્વાદ આપતા રહેવા અપીલ કરી હતી.




