Bilkis Bano leaves Gujarat: 2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કાર અને પરિવારના સાત સભ્યોની હત્યાનો ભોગ બનેલી બિલ્કીસ બાનો ગુજરાત છોડીને અન્ય સ્થળે જતી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસના બે દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરીને જામીન આપ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

બિલ્કીસ બાનાના કાકા અબ્દુલ રઝાક મન્સૂરીએ ફોન પર જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમનો પરિવાર 2 અથવા 3 નવેમ્બરની આસપાસ ગુજરાત છોડી ગયો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં રહેતા મન્સૂરીના જણાવ્યા મુજબ, બિલ્કીસ બાનો દોઢ વર્ષ પહેલાં સુધી શહેરના કાપડી વિસ્તારમાં રહેતી હતી. ત્યારબાદ તે ગુજરાતમાં જ અન્ય સ્થળે રહેવા ગઈ હતી અને હવે રાજ્યની બહાર જતી રહી છે.

બિલ્કીસ બાનોએ વ્યક્ત કરી હતી સુરક્ષાની ચિંતા

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલ્કીસ બાનોએ ઊંડું દુઃખ અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને જાણ કર્યા વિના અને તેમનો પક્ષ સાંભળ્યા વિના દોષિતોને રાહત આપવામાં આવી છે. આ નિર્ણયથી તેમના અને તેમના પરિવારના મનમાં ફરી ડર પેદા થયો છે.

બિલ્કીસ બાનોએ જણાવ્યું હતું કે તેમને પોતાની, પરિવાર અને બાળકોની સુરક્ષાની ચિંતા છે. તેમણે ન્યાય માટેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના બાળકો અને દરેક મહિલાના ન્યાય માટે આ આદેશ સામે લડશે.

સુપ્રીમ કોર્ટે બે દોષિતોની સજા સ્થગિત કરી

28 ઓક્ટોબરે ન્યાયાધીશ એમ.એમ. સુન્દરેશ અને પી.બી. વરાલેની બેન્ચે દોષિત બિપિન ચંદ્ર જોશી અને પ્રદીપ મોરધિયાની આજીવન કેદની સજા સ્થગિત કરીને જામીન આપ્યા હતા. કોર્ટે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાની બાબતને ધ્યાનમાં લીધી હતી.

ઉલ્લેખનીય છે કે 3 માર્ચ, 2002ના રોજ ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ન્યાય મેળવવા માટે બિલ્કીસ બાનોએ લાંબી કાનૂની લડાઈ લડી છે.