Dharmik Mathukiya AAP News: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મારી પાછળ કોઈ બગીચો નથી પરંતુ ધોરાજીની સફૂરા નદી છે, અહીંયા વેલ ઊભી નીકળી છે, જેનાથી આખી નદી ઢંકાઈ ગઈ છે, આ વેલના કારણે પશુ-પક્ષીઓને પાણી નથી મળી રહ્યું અને સાથે સાથે અહીંના રહીશોને પણ અહીં નદીનું પાણી કેમનું ભરવું એની ખબર પડતી નથી. આખી નદીમાં ખૂબ જ ગંદકી છે અને ખૂબ જ દુર્ગંધ મારી રહી છે. આ મુદ્દે સ્થાનિકોને પ્રશ્ન છે અને અહીંયાથી પસાર થતાં મુસાફરોને પણ ખૂબ જ પ્રશ્ન થાય છે પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે.
વધુ આમ આદમી પાર્ટીના નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે સાબિતી છે કે તંત્રના લોકોને આ વિષે ખબર છે છતાં પણ આજ દિન સુધી નગરપાલિકાનો વ્યક્તિ કે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સફૂરા નદીની સફાઈ માટે આગળ આવતા નથી. ધોરાજીના સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક આગેવાનોને આ વીડિયોના માધ્યમથી અપીલ કરું છું કે સફૂરા નદીની સફાઈ કરવાની લડત આપણે સાથે મળીને લડવાની જરૂરત છે. નગરપાલિકાને હું કહેવા માગું છું કે જો તમે લોકોના ટેક્સના પૈસાનો સાચો ઉપયોગ કરતા હોય તો ધોરાજીને સ્વચ્છ રાખવા માટે ઈચ્છતા હોય તો ધોરાજી માટે થોડી મહેનત કરો. જો તમે તમારા હપ્તા લેવામાંથી નવરા થઈ ગયા હોવ તો હવે સફૂરા નદીને ચોખ્ખી કરવાનું કામ કરો. હું નગરપાલિકાના તમામ સભ્યોને કહેવા માગું છું કે જો આ નદીની સફાઈ કરવામાં નહીં આવે તો આ નદીની વેલ પહેરાવવા માટે ઢોલ નગારા સાથે નગરપાલિકાએ અમે આવીશું.




