Anand honor killing: ગુજરાતમાં ઓનર કિલિંગનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેટપુર ગામમાં પિતાએ પોતાની 21 વર્ષની પુત્રીની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હોવાનો આરોપ છે. પુત્રી અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધમાં હોવાથી પિતા નારાજ હતો. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મૃત્યુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી પિતા કૌશલકુમાર પટેલની ધરપકડ કરી છે.

અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધનો પિતા કરતો હતો વિરોધ

મૃતક સાન્યાએ વડોદરામાંથી બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી પોતાના જ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. જોકે, બંને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી તેના પિતા કૌશલકુમાર પટેલ આ સંબંધનો વિરોધ કરતા હતા. પિતા વારંવાર પુત્રીને યુવક સાથે સંબંધ તોડી નાખવા માટે સમજાવતા હતા, પરંતુ સાન્યા તેમની વાત માનતી નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી.

દિવાળીની રાત્રે પિતા-પુત્રી વચ્ચે થયો હતો પ્રેમસંબંધને લઈને વિવાદ

મળતી માહિતી મુજબ દિવાળીની રાત્રે પરિવારના સભ્યો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. 9 નવેમ્બરની વહેલી સવારે લગભગ 3:15 વાગ્યે કૌશલકુમાર પટેલે પુત્રી સાન્યા સાથે તેના પ્રેમસંબંધ અંગે ફરી વાત શરૂ કરી હતી.

આ દરમિયાન પિતાએ ગુસ્સામાં પુત્રીને કહ્યું હતું કે, ‘જો હું તારું ગળું દબાવી દઉં તો?’ શરૂઆતમાં સાન્યાએ આ વાતને મજાક સમજી હતી. જોકે ત્યારબાદ પિતાએ તેના દુપટ્ટાથી ગળું દબાવવાનું શરૂ કર્યું હતું. ગળા પર દબાણ વધતાં સાન્યા જમીન પર ઢળી પડી હતી અને તેનું મૃત્યુ થયું હતું.

હત્યાને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ

પુત્રીના મૃત્યુ બાદ આરોપી પિતાએ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મૃત્યુ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો અને સંબંધીઓને ગેરમાર્ગે દોર્યા બાદ સાન્યાના મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જોકે, હોસ્પિટલના તબીબોને મૃત્યુ શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને કરમસદની કૃષ્ણા હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાન્યાનું મૃત્યુ ગળા પર દબાણ આવવાથી ગૂંગળામણના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં પિતાએ હત્યાની કબૂલાત કરી

ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પૂછપરછ દરમિયાન સાન્યાના પિતા કૌશલકુમાર પટેલે પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાજેશ વાઘેલાની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

મેટપુર ગામના સહજ આનંદ ફળિયામાં રહેતા કૌશલકુમાર પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. બાંટવાના જણાવ્યા અનુસાર, આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે પોલીસ રિમાન્ડ મંજૂર ન કરતાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.