Jamnagar: જામનગર જિલ્લામાં વાહન અકસ્માતના બે બનાવો નોંધાયા છે. કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં કાર ચાલકે ૧૦ વર્ષના બાળકને ટક્કર મારી હતી, જ્યારે જામનગરના એસટી બસ સ્ટેશન નજીક એક બાઇક ચાલકે બીજી બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ફ્રેક્ચર સહિત અનેક ઇજાઓ થઈ હતી. પ્રથમ ઘટનામાં, ૧૦મી તારીખે રાત્રે ૧૦:૫૬ વાગ્યે, કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના સરદાર ચોક પાસે, એક અલ્ટો કારના ચાલકે ખૂબ જ ઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવીને આગળથી આવતા ૧૦ વર્ષના ખુશને ટક્કર મારી હતી. બાળક રસ્તા પર પડી ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો હતો. બાળકના પિતા સાગરભાઈ સાવલીયાએ આ ઘટના અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરધારકા ગામના ભદ્રરાજસિંહ ગુણુભા ઝાલા સામે ગુનો નોંધ્યો છે.

બીજી ઘટનામાં, ૧ નવેમ્બરના રોજ, રાત્રે ૮:૩૦ વાગ્યે, જામનગરના એસટી બસ સ્ટેશન નજીક આઈટીઆઈ ગેટની સામે, એક બાઇક ચાલકે બેદરકારીપૂર્વક ઝડપી ગતિએ વાહન ચલાવીને ફરિયાદી રાજેશભાઈ માંગેના સાળા પ્રફુલભાઈની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરમાં પ્રફુલભાઈના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું અને રસ્તા પર પડી ગયા બાદ તેમના શરીર અને ચહેરા પર ઈજા થઈ હતી. રાજેશભાઈ માંગેએ આ ઘટના અંગે સીટી-એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.