Pakistan: પાકિસ્તાનના કોહાટ જિલ્લામાં, ગેરકાયદેસર સોનાના ખનન વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહેલી પોલીસ ટુકડી પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૧ પોલીસ જવાનોના મોત થયા છે, જ્યારે ૧૨ અન્ય લોકો ઘાયલ થયા છે.
બુધવારે પાકિસ્તાનમાં પોલીસ ટુકડી પર એક મોટો હુમલો થયો હતો. દેશના વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) પ્રદેશમાં સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ યુનિટને નિશાન બનાવ્યું હતું. અહેવાલો અનુસાર, ડીએસપી (DSP) સહિત ૧૧ પોલીસ જવાનોના મોત થયા છે અને ૧૨ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં બની હતી.
પોલીસ ટુકડી ગેરકાયદેસર સોનાના ખનન વિરુદ્ધ દરોડો પાડવા જઈ રહી હતી, ત્યારે ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા બંદૂકધારીઓએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો હતો. કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન ઝેબે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં ૧૧ પોલીસ જવાનોના મોત થયા છે અને ૧૨ લોકો ઘાયલ થયા છે.
હુમલા બાદ પોલીસના પાંચ વાહનોને આગ લગાડી દેવામાં આવી
આ હુમલો કોહાટ અને કારક જિલ્લાની વચ્ચે આવેલા ‘દરબોકાચ જલંધર બાંદા’ વિસ્તારમાં થયો હતો. પોલીસ ટુકડી પર ગોળીબાર કર્યા બાદ, હુમલાખોરોએ પોલીસના પાંચ વાહનોને પણ આગ લગાડી દીધી હતી. આ ઘટનાએ વિસ્તારની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. જોકે, હુમલાખોરોની ઓળખ કે તેમની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી સામે આવી નથી.




