Gujarat University Vijita Singh Agarwal: ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે. યુનિવર્સિટીની સ્થાપના બાદ પ્રથમ વખત મહિલા વાઇસ ચાન્સેલર (કુલપતિ) તરીકે પ્રોફેસર વિજિતા સિંહ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. તેમણે સોમવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)ના વાઇસ ચાન્સેલર તરીકે ઔપચારિક રીતે પદભાર સંભાળ્યો હતો. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરોએ તેમનું સ્વાગત કર્યું હતું.

શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે ધરાવે છે બહોળો અનુભવ

પ્રોફેસર વિજિતા સિંહ અગ્રવાલ અગાઉ નવી દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં હતાં. તેમની પાસે શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ છે. કુલપતિ તરીકે તેઓ હવે યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી કામગીરીનું નેતૃત્વ કરશે.

તેમની નિમણૂકથી યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, સંશોધન, નવીનતા અને સંસ્થાકીય વિકાસને નવી દિશા મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

રામાશંકર દુબેના કાર્યકાળ બાદ લગભગ એક વર્ષથી પદ ખાલી હતું

પ્રોફેસર રામાશંકર દુબેએ 22 નવેમ્બર, 2019ના રોજ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. એક વર્ષના કાર્યકાળના વિસ્તરણ બાદ તેમણે 22 નવેમ્બર, 2025ના રોજ પદ પરથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેઓ કાર્યકારી વાઇસ ચાન્સેલર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. લગભગ એક વર્ષની રાહ બાદ યુનિવર્સિટીને હવે નવા કાયમી વાઇસ ચાન્સેલર મળ્યા છે.

2009માં સ્થાપના, NAAC તરફથી A+ ગ્રેડ

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. શરૂઆતમાં યુનિવર્સિટી ગાંધીનગરના સેક્ટર 29 અને સેક્ટર 30માં આવેલા કામચલાઉ કેમ્પસમાંથી કાર્યરત હતી. યુનિવર્સિટીના પ્રથમ તબક્કામાં પ્રોફેસર એસ.એ. બારી અને ત્યારબાદ પ્રોફેસર રામાશંકર દુબેએ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.

યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા પ્રતિષ્ઠિત A+ ગ્રેડ આપવામાં આવ્યો છે.

વડોદરાના કુંઢેલા ગામમાં 100 એકરમાં કાયમી કેમ્પસ

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું કાયમી કેમ્પસ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંઢેલા ગામમાં વિકસાવવામાં આવ્યું છે. જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો.

લગભગ 100 એકર વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પસમાં આધુનિક પ્રયોગશાળાઓ, કેન્દ્રીય પુસ્તકાલય, વ્યાખ્યાન હોલ અને છાત્રાલયો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

પ્રોફેસર વિજિતા સિંહ અગ્રવાલની નિમણૂક સાથે હવે યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નવી પહેલો શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.