Patan News: ગુજરાતી નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાતનાં ગામડાંઓમાં આજે પણ અનેક જૂની પરંપરાઓ જીવંત છે. પાટણ જિલ્લાના વઢિયાર વિસ્તારમાં આવેલા ગોધણા ગામમાં બેસ્તા વર્ષાના દિવસે સદીઓ જૂની અનોખી પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. અહીં ગ્રામજનો ગાયોની પૂજા કર્યા બાદ તેમને ગામની સીમા પર આવેલા ખેતરો તરફ દોડાવે છે. ગાયોના દોડવાથી જમીનમાંથી ઉડતી ધૂળને ગ્રામજનો શુભ માને છે અને તેને ગાય માતાના આશીર્વાદ સમજીને પોતાના કપાળે લગાવે છે.

ગાયોને એકઠી કરી કરવામાં આવે છે પૂજા

બેસ્તા વર્ષાના દિવસે ગોધણા ગામના ગ્રામજનો પોતાના પશુઓને એક જગ્યાએ એકઠા કરે છે. ભરવાડ સમુદાયના યુવાનો ગાયોને શણગારે છે. ત્યારબાદ ગામની સીમા પર ગાય માતાની સ્તુતિનાં ગીતો ગાઈને તેમની પૂજા કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ ગોપાલકો તમામ ગાયોને એકસાથે ખેતરો તરફ દોડાવે છે.

ગાયોના દોડવાથી જમીન પર ધૂળના વાદળો ઊડે છે. ગ્રામજનો આ ધૂળને શુભ શુકન માનીને પોતાના કપાળે લગાવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવે છે.

ખેતરોમાં લીલા ઘાસના દાનથી શરૂ થઈ પરંપરા

ગામના આગેવાન હીરાભાઈ ખોડાભાઈ જાદવે આ પરંપરાની શરૂઆત પાછળની માન્યતા જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, પ્રાચીન સમયમાં દિવાળીના તહેવાર દરમિયાન ગ્રામજનો ઉજવણીમાં વ્યસ્ત રહેતા હતા. તેના કારણે પશુઓને ચરાવવા માટે બહાર લઈ જવાનું મુશ્કેલ બનતું હતું.

આથી બેસ્તા વર્ષાના દિવસે ખેડૂતો પુણ્યના હેતુથી પોતાના ખેતરોમાં ઉગેલું લીલું ઘાસ ગાયોને ખવડાવવા માટે દાન કરતા હતા. આ પ્રસંગે આખા ગામની ગાયોને એકત્ર કરીને તેમની પૂજા કરવામાં આવતી અને ત્યારબાદ તેમને ખેતરો તરફ દોડાવવામાં આવતી હતી. સમય જતાં આ પરંપરા ગોધણા ગામની ઓળખ બની ગઈ.

પેઢીઓથી જળવાઈ રહી છે પરંપરા

ગામના અન્ય આગેવાન ભારમલભાઈ હેમાભાઈ જાદવના જણાવ્યા મુજબ, આ પરંપરા અનેક પેઢીઓથી ચાલી આવે છે. ગામના યુવાનો પણ તેને એટલા જ ઉત્સાહથી આગળ વધારી રહ્યા છે.

આ દિવસે ગામના લોકો ખેતરોમાં એકઠા થાય છે અને પરસ્પર ભાઈચારા સાથે નવા વર્ષની ઉજવણી કરે છે. એક સમયે વઢિયાર વિસ્તારનાં અનેક ગામોમાં આ પરંપરા પ્રચલિત હતી, પરંતુ સમય જતાં હવે ગોધણા સહિત ગણ્યાંગાંઠ્યાં ગામોમાં જ તે જીવંત રહી છે.

આ રીતે ગોધણા ગામના લોકો ગાયોની સેવા, પૂજા અને સામૂહિક ઉજવણી સાથે નવા વર્ષની શરૂઆત કરે છે અને વર્ષો જૂની સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે.