Gujarat Fire During Diwali: દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ, જૂનાગઢ અને રાજકોટમાં આગની અલગ-અલગ દુર્ઘટનાઓને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે જૂનાગઢમાં પ્લાસ્ટિકનાં કારખાનાં અને રાજકોટમાં કોમન પાર્કિંગમાં પાર્ક કરેલી કારોમાં આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદની ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ
અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર મટોડા પાટિયા નજીક આવેલી મેસ્કોન ચોકલેટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે મોડી સાંજે ધુમાડાના ગોટેગોટા દૂરથી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
જૂનાગઢ GIDC-2માં પ્લાસ્ટિકનાં કારખાનાં આગની ઝપેટમાં
જૂનાગઢ GIDC-2માં પ્લાસ્ટિકનાં કારખાનાંમાં આગ લાગતાં ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વિરાણી ઇન્ડસ્ટ્રી અને ન્યૂ સાગર ઇન્ડસ્ટ્રીમાં આગ ભભૂકી ઊઠી હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટના માધવ પાર્કમાં કાર પાર્કિંગમાં આગ
રાજકોટના માધવ પાર્કમાં કોમન પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાર્કિંગમાં રહેલી અન્ય કારોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. પરિણામે અનેક કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, પાર્કિંગમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.
દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ આગની ઘટનાઓએ ફાયર સેફ્ટી અને સુરક્ષાના મુદ્દે ફરી સવાલો ઊભા કર્યા છે. તમામ ઘટનાઓમાં આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ જરૂરી બની છે.




