Ahmedabad News: અમદાવાદમાં ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના નામનો દુરુપયોગ કરીને સરકારી અધિકારી પર દબાણ લાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધારાસભ્ય હોવાની ખોટી ઓળખ આપીને પલ્સ હેલ્થકેર કંપનીનું લાઇસન્સ મંજૂર કરાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો. જોકે, ધારાસભ્ય અમિત શાહે આવો કોઈ ફોન કર્યો હોવાનો ઇનકાર કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે વાસણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

ધારાસભ્ય અમિત શાહ બનીને અધિકારીને ફોન કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનર એસ.એન. ગઢવીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ તરીકે આપી હતી. તેણે પલ્સ હેલ્થકેરના લાઇસન્સની મંજૂરી અંગે વાત કરી હતી અને આ મામલે અમદાવાદના ડ્રગ ઇન્સ્પેક્ટર પાર્થ પટેલનો સંપર્ક થઈ ચૂક્યો હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત ફોન કરનારે લાઇસન્સ મંજૂર કરવા માટે ગઢવી પર દબાણ કર્યું હતું અને તેમના ઉપરી અધિકારી સાથે વાત કરવા પણ કહ્યું હતું.

ધારાસભ્યના ઇનકાર બાદ નકલી કોલનો પર્દાફાશ

ફોન આવ્યા બાદ અધિકારીને શંકા જતાં ધારાસભ્ય અમિત શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આવો કોઈ ફોન કર્યો નથી. આથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ધારાસભ્યના નામે ખોટી ઓળખ ધારણ કરીને સરકારી અધિકારી પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી.

પીજીમાં રહેતા યુવકને ધારાસભ્ય બનીને ફોન કરવા કહ્યું

પોલીસે આ કેસમાં વિનય કોઠાર અને રજનીક પરદવાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે રજનીક પરદવા સંપર્ક અધિકારી તરીકે કામ કરે છે અને પીજી પણ ચલાવે છે. વિનય કોઠાર આ જ પીજીમાં રહેતો હતો.

પોલીસના દાવા મુજબ, રજનીકે વિનયને ધારાસભ્ય અમિત શાહની ખોટી ઓળખ ધારણ કરીને સરકારી અધિકારીને ફોન કરવા કહ્યું હતું. આ રીતે પલ્સ હેલ્થકેરનું લાઇસન્સ મંજૂર કરાવવા માટે સરકારી તંત્ર પર દબાણ લાવવાનું કથિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.

લાઇસન્સ મંજૂર કરાવવા પાછળ બીજાં કોણ?

હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તપાસ કરી રહી છે કે પલ્સ હેલ્થકેરનું લાઇસન્સ મંજૂર કરાવવા માટે આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં અને આ પ્રયાસ પાછળ કોનો હેતુ હતો. ધારાસભ્યના નામનો ઉપયોગ કરીને સરકારી અધિકારીને પ્રભાવિત કરવાનો આ મામલો ચર્ચામાં આવ્યો છે.