Ahmedabad News: અમદાવાદના મોટેરા વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ફ્લેટ પર ભાડૂઆતો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવ્યાનો મામલો સામે આવ્યો છે. ભાડા કરારની મુદત પૂરી થયા બાદ પણ ફ્લેટ ખાલી ન કરવો, ભાડું ચૂકવવામાં નિષ્ફળ રહેવું અને વૃદ્ધ દંપતીને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવી છે.
ફરિયાદમાં મોટેરાના રત્નમ-1 ફ્લેટમાં રહેતા નીલમ શાહ, સંજય શાહ, ધનંજય શાહ અને મૃત્યુંજય શાહનાં નામ સામેલ છે. ફરિયાદી પૂજા મિશ્રાએ પોતાનાં વૃદ્ધ માતા-પિતા પ્રણિતા મિશ્રા અને શરતકુમાર મિશ્રા વતી ફરિયાદ નોંધાવી છે.
2008માં ખરીદેલો ફ્લેટ ભાડે આપ્યો હતો
ફરિયાદ મુજબ વૃદ્ધ દંપતીએ વર્ષ 2008માં મોટેરાના રત્નમ-1માં ફ્લેટ નંબર 501 ખરીદ્યો હતો. ત્રણ બેડરૂમ, હોલ, રસોડું અને ટેરેસ ધરાવતા આ ફ્લેટની હાલની કિંમત આશરે ₹60 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
1 જુલાઈ, 2023થી 31 મે, 2024 સુધીના 11 મહિનાના લિવ-એન્ડ-લાઇસન્સ કરાર હેઠળ આ ફ્લેટ નીલમ શાહને દર મહિને ₹19,500ના ભાડે આપવામાં આવ્યો હતો. જોકે ફરિયાદમાં આક્ષેપ છે કે નીલમ શાહે અન્ય આરોપીઓ એવા પોતાના ભાઈઓને પણ વૃદ્ધ દંપતીની જાણ વિના ફ્લેટમાં રહેવા બોલાવ્યા હતા.
₹5.85 લાખનું ભાડું બાકી હોવાનો આક્ષેપ
ફરિયાદ અનુસાર એપ્રિલ 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આરોપીઓએ કુલ ₹5.85 લાખનું ભાડું ચૂકવ્યું નથી અને કરારની મુદત પૂરી થયા બાદ પણ ફ્લેટ ખાલી કર્યો નથી, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બાકી ભાડાની માગણી કરતાં આરોપીઓએ વૃદ્ધ દંપતીને પગ તોડી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવશે તો બદનક્ષીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
ફર્નિચરને ₹4.68 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફ્લેટમાં રહેલા ફર્નિચરને આશરે ₹4.68 લાખનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મામલે વૃદ્ધ દંપતી તરફથી કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીના આદેશને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ અને અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
અન્ય વ્યક્તિની દુકાન પચાવી પાડવાનો પણ આરોપ
ફરિયાદમાં આરોપીઓ સામે અન્ય એક વ્યક્તિ મહેન્દ્ર સિંહ તલવાડિયાની દુકાન પર પણ કબજો જમાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ આરોપોની સત્યતા પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નક્કી થશે.
હાલમાં આ મામલે ચાર વ્યક્તિઓ સામે FIR નોંધાઈ છે. વૃદ્ધ દંપતીની મિલકત પર કબજો, બાકી ભાડું, ધમકીઓ અને ફર્નિચરને થયેલા નુકસાન અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.




