Vinod Parmar AAP :આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ પ્રમુખ Vinod Parmarએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આપણી હોસ્પિટલ કેર કમિટી દ્વારા એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અવારનવાર જોવા મળે છે કે સરકારી PMJAY કે અન્ય યોજનાઓમાં કાગળો કે ટેકનિકલ ખામીઓના બહાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યોજનાનો પૂરો લાભ મળતો નથી. આથી દર્દીઓને રાહત મળે તે હેતુથી અમે પ્રાઇવેટ હોસ્પિટલો સાથે ટાઇઅપ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. કદાચ ભારતભરમાં આ પહેલી વાર બનશે કે મેડિક્લેમ પોલિસી કે PMJAY યોજના વિના, સીધા ડોક્ટર કે પ્રાઇવેટ હોસ્પિટલ જ દર્દીને ડાયરેક્ટ બેનિફિટ આપશે. હાલ અમદાવાદની નામી હોસ્પિટલો સાથે શરૂઆત કરી છે અને આગામી 6 મહિનામાં ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત સહિત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી 300 થી 500 હોસ્પિટલોને ગેધર કરવાનો લક્ષ્યાંક છે. અમારી ટીમ અને હું પોતે ડોક્ટરો સાથે બેસીને ફોર્મ પર સાઇન-સ્ટેમ્પ કરાવીને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એગ્રી કરાવીએ છીએ. આ ટાઇઅપ થયેલી જાણીતી હોસ્પિટલોનું લિસ્ટ આમ આદમી પાર્ટી અને હોસ્પિટલ કેર કમિટીની વેબસાઇટ પરથી મળી રહેશે. આ યાદીમાં મોટા સ્ટાન્ડર્ડના IVF સેન્ટર્સ તથા ચાંદખેડાની મોટી હોસ્પિટલો સહિત સ્ટાન્ડર્ડ હોસ્પિટલો જોડાઈ રહી છે. આ યોજનાની સુંદરતા એ છે કે પેશન્ટે હોસ્પિટલમાં જઈને માત્ર એટલું જ કહેવાનું રહેશે કે તેઓ હોસ્પિટલ કમિટીના લિસ્ટમાંથી આવ્યા છે, એટલે તેમને હોસ્પિટલ દ્વારા ટોટલ બિલ પર મિનિમમ 10% ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ મળી જશે.

ડો. વિનોદ પરમારે વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓ અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય સંકલન રહે તે માટે ભવિષ્યમાં એક ટોલ-ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. હોસ્પિટલ કમિટીમાં જોડાવાથી દર્દીઓ વધશે એટલે હોસ્પિટલોને લાભ થશે અને દર્દીઓને બિલમાં રાહત મળશે. ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતની હોસ્પિટલો આવરી લેતી એક બુકલેટનું ગ્રાન્ડ ઇનોગ્રેશન કરવામાં આવશે, જેમાં પાર્ટીના અગ્રણી નેતાઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહેશે. હોસ્પિટલો ઉપરાંત ભવિષ્યમાં લેબોરેટરીઝ અને બ્રાન્ડેડ મેડિકલ સ્ટોર્સ સાથે પણ ટાઇઅપ કરવાનું આયોજન છે. મેડિકલ સ્ટોર્સ દવાઓ પર 70-80% સુધીની જાહેરાતો કરે છે, પણ દર્દીઓ સુધી તેનો લાભ પહોંચતો નથી, જેથી અમે તેને પણ આ સિસ્ટમમાં આવરી લઈશું. આ કમિટીમાં એલોપેથી, હોમિયોપેથી તેમજ ઔષધીય ગુણો ધરાવતી તમામ પ્રકારની સારવાર આપતી હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે. અમારો એકમાત્ર ધ્યેય સામાન્ય પરિવાર અને નાગરિક સુધી આરોગ્ય સુવિધાઓનો લાભ પહોંચાડવાનો છે. સરકારી જનરલ હોસ્પિટલોમાં યોગ્ય સારવાર ન મળતા ગરીબ દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રાહતની અપેક્ષા રાખતા હોય છે, તેમના માટે જ અમે આ વાર્તાલાપ કરીને લિસ્ટ તૈયાર કર્યું છે. નવરાત્રીના નવમા નોરતે લોન્ચ થઈ રહેલા આ સેવાકીય કાર્ય પાછળ અમારો હેતુ ફક્ત લોકોની દુઆઓ અને આશીર્વાદ મેળવવાનો છે, જેથી આ હોસ્પિટલ કેર કમિટી ઉત્તરોત્તર પ્રગતિ કરે.