ભારતીય શેરબજારમાં આવેલી તેજીની અસર દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓ પર પણ જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં, ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ૯ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ)માં રૂ. ૩.૬૫ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સૌથી વધુ લાભ મેળવનારી કંપની બની છે. ભારતી એરટેલ અને ઇન્ફોસિસના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, ટોચની ૧૦ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) એકમાત્ર એવી કંપની હતી જેના માર્કેટ વેલ્યુમાં ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સમાં ૨,૨૫૬ પોઈન્ટનો ઉછાળો; નિફ્ટીમાં પણ તેજી
ગયા સપ્તાહે BSE સેન્સેક્સ ૨,૨૫૬.૯૪ પોઈન્ટ અથવા ૩.૧૧ ટકા વધ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટીમાં ૬૨૫.૭ પોઈન્ટ અથવા ૨.૭૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ‘એનરિચ મની’ (Enrich Money) ના CEO પોન્મુદી આર.એ જણાવ્યું હતું કે ભારતીય શેરબજારમાં રિકવરીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ લગભગ છ મહિનામાં તેમનું શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવ્યું હતું.

તેમના મતે, સપ્ટેમ્બર ક્વાર્ટરના પ્રોત્સાહક પરિણામો બાદ IT શેરોમાં થયેલી જોરદાર ખરીદીએ બજારની તેજીને વેગ આપ્યો હતો. આ ઉપરાંત, લાર્જ-કેપ કંપનીઓના શેરોમાં રોકાણકારોનો રસ વધવાથી પણ બજારને વધુ મજબૂતી મળી હતી.

માર્કેટ કેપમાં રૂ. ૧.૦૮ લાખ કરોડનો વધારો
ટોચની ૧૦ કંપનીઓમાંથી, TCSના માર્કેટ કેપિટલાઇઝેશનમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧,૦૮,૫૪૨.૬૩ કરોડ વધીને રૂ. ૮,૯૧,૧૩૪.૯૬ કરોડ પર પહોંચ્યું છે. ભારતી એરટેલના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૬૧,૪૦૬.૫૩ કરોડનો વધારો થયો છે અને તે વધીને રૂ. ૧૧,૮૮,૮૧૫.૪૫ કરોડ થઈ ગયું છે. દરમિયાન, ઇન્ફોસિસના બજાર મૂલ્યમાં રૂ. 55,893.05 કરોડનો વધારો થયો અને તે રૂ. 4,71,409.41 કરોડ પર પહોંચ્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં પણ રૂ. 53,047.56 કરોડનો વધારો થયો, જે વધીને રૂ. 16,37,437.19 કરોડ થયું.

HDFC અને ICICI બેંકને લાભ
બેંકિંગ કંપનીઓના બજાર મૂડીકરણમાં પણ વધારો જોવા મળ્યો. HDFC બેંકનું માર્કેટ કેપ રૂ. 32,379.05 કરોડ વધીને રૂ. 11,22,628.07 કરોડ થયું. ICICI બેંકના બજાર મૂલ્યમાં રૂ. 30,769.95 કરોડનો વધારો થતાં તેનું માર્કેટ કેપ રૂ. 10,02,871.44 કરોડ પર પહોંચ્યું.

બજાજ ફાઇનાન્સના બજાર મૂડીકરણમાં રૂ. 14,786.65 કરોડનો વધારો થયો અને તે રૂ. 6,11,326.72 કરોડ થયું. લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ના બજાર મૂલ્યમાં રૂ. 4,933.5 કરોડનો વધારો થયો, જે વધીને રૂ. 5,02,204.82 કરોડ થયું. બીજી તરફ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના માર્કેટ કેપમાં રૂ. 3,323.07 કરોડનો વધારો થયો અને તે રૂ. 8,87,722.84 કરોડ પર પહોંચ્યું.