Niranjan Vasava AAP: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી Niranjan Vasavaએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે મંત્રીઓ આવીને પ્રશ્નો ઉકેલી ગયા હતા, પરંતુ આદિવાસી વિસ્તારના અશિક્ષિત ખેડૂતોને આજે પણ ન્યાય મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તાનાશાહી નીતિના કારણે આદિવાસી ખેડૂતોની જમીનો પચાવી પાડવાનું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળતી નથી અને બહારથી આવતા લોકો લાભ ખાટી રહ્યા છે. એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) થી ગરુડેશ્વર સુધી ગ્રામ પંચાયતોની મંજૂરી કે પરવાનગી લીધા વગર જ કરોડો રૂપિયાના ટેન્ટ સિટી જેવા અલગ અલગ પ્રોજેક્ટ્સ ઊભા કરી દેવાયા છે. અમને વિકાસ સામે વાંધો નથી, પરંતુ વિકાસના નામે સ્થાનિકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, અને આજે પણ રોડ ટચ જે જમીનો અમારી બાજુમાં દેખાય છે જેમાં માટી પુરાણ થઈ રહ્યું છે તે જમીન મૂળ માલિકોની આવેલી છે એમાં આંબાના ઝાડો જાંબુના ઝાડ તેમજ વાવેતર કરતા હતા આજે તેવા ખેતરોમાં ખેડૂતોને કોઈપણ વળતર ચૂકવ્યા વગર કે એમની મંજૂરી લીધા વગર મોટા મોટા હાઇવાઓ અને ટ્રકોમાં માટી અને પથ્થરો ભરી ત્યાં ખૂબ મોટા પુરાણ કરવામાં આવે છે એની બિલકુલ સામે નર્મદા નિગમની ઓફિસ છે દેશના વડાપ્રધાન જ્યાં રોકાય છે તે સર્કીટ હાઉસ આવેલું છે પણ આ સ્થાનિકોની જમીનનું વળતર ચુકવ્યા વગર વહીવટી તંત્ર અને પ્રશાસન દ્વારા મન ફાવે તેમ પુરાણ કરી પાકા બાંધકામો કરી દેવામાં આવે છે અને સ્થાનિક લોકો અન્યાય સામે અવાજ ઉઠાવતા ખેડૂતો અને આગેવાનો પર ખોટા કેસ અને એફ.આઈ.આર. કરીને તેમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે.
વહીવટીતંત્ર, SOU સત્તામંડળ અને નિગમના અધિકારીઓ પાસે પોતાના મૂળ દસ્તાવેજો માંગવા જતા ખેડૂતોને તે જમીનના દસ્તાવેજો કે પૂરતા કાગડિયા આ નિગમ માંથી આપવામાં આવતા નથી અને ખેડૂતોને અને ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે ધક્કા ખાવા પડી રહ્યા છે અને પોલીસ પ્રશાસન સાથે ઘર્ષણ કરાવી રહ્યા છે. નિરંજનભાઈ વસાવાએ પ્રશાસન અને સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા માગ કરી છે કે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવી ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. જો આગામી ૩૧ ઓક્ટોબર પહેલાં કેવડિયા અને નર્મદા વિસ્તારના ખેડૂતોને પૂરો ન્યાય નહીં મળે, તો દેશના વડાપ્રધાનના આગામી કાર્યક્રમનો ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે અને કાર્યક્રમ થવા દેવામાં નહીં આવે. આ વિરોધ પ્રદર્શનમાં માત્ર આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને અલગ-અલગ સામાજિક સંગઠનો પણ જોડાશે.




