Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધતા કેસને પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. સપ્ટેમ્બર મહિનાના 30 દિવસમાં ડેન્ગ્યુના 756 કેસ નોંધાયા હતા, જે આ મહિને નોંધાયેલા મચ્છરજન્ય રોગોમાં સૌથી વધુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2025માં ડેન્ગ્યુના 448 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બર 2026માં આ સંખ્યા વધીને 756 થઈ છે.

સપ્ટેમ્બર દરમિયાન મેલેરિયાના 137, ફાલ્સીપેરમના 41 અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા હતા. ફાલ્સીપેરમના કેસ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 35 હતા, જે આ વર્ષે વધીને 41 થયા છે. જ્યારે સપ્ટેમ્બર 2025માં ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નહોતો, ત્યારે આ વર્ષે 10 કેસ સામે આવ્યા છે.

પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના સૌથી વધુ કેસ

પાણીજન્ય રોગોની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ટાઇફોઇડના 266 કેસ નોંધાયા હતા, જે આ શ્રેણીમાં સૌથી વધુ છે. આ ઉપરાંત કમળાના 79 અને ઉલટી-ઝાડાના 208 કેસ નોંધાયા હતા. જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં શહેરમાં ટાઇફોઇડના કુલ 1,685 કેસ, કમળાના 611 કેસ અને ઉલટી-ઝાડાના 4,128 કેસ નોંધાયા છે.

67 હજારથી વધુ પાણીના નમૂનાની તપાસ

મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની ગુણવત્તાની તપાસ પણ વધારી છે. જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર સુધીમાં કુલ 67,577 પાણીના નમૂના તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 302 નમૂના અયોગ્ય જણાયા હતા. માત્ર સપ્ટેમ્બરમાં 7,596 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 21 અયોગ્ય મળ્યા હતા.

આ સમયગાળા દરમિયાન કુલ 4,77,182 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 192 કેસમાં શૂન્ય ક્લોરિન મળી આવ્યું હતું. સપ્ટેમ્બરમાં 53,090 ક્લોરિન ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 8 ટેસ્ટમાં શૂન્ય ક્લોરિન નોંધાયું હતું.

એક મહિનામાં 1.83 લાખથી વધુ રક્ત નમૂના તપાસાયા

શહેરમાં સપ્ટેમ્બર દરમિયાન 1.83 લાખથી વધુ રક્ત નમૂના એકત્રિત કરીને તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડેન્ગ્યુની તપાસ માટે 16,000થી વધુ સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ

ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાણીની ગુણવત્તા અને ક્લોરિનેશનની નિયમિત તપાસ સાથે રોગોની દેખરેખ રાખવામાં આવી રહી છે.

જ્યાં રોગોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં જરૂરી આરોગ્ય અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરના ઉત્પત્તિસ્થળોની તપાસ ઉપરાંત ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ દર્દીઓના રક્ત પરીક્ષણની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને રોકવા માટે સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.