Ahmedabad News: અમદાવાદમાં દારૂબંધી વચ્ચે દારૂ પરમિટના રિન્યૂઅલને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. 2023 દરમિયાન 30થી વધુ પરમિટના રિન્યૂઅલમાં નિર્ધારિત સરકારી ફી ઉપરાંત બ્રોકરો દ્વારા વધારાના ₹25,000 લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. બદલામાં અરજદારોને તબીબી તપાસ અને કેટલીક પ્રક્રિયાઓમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનો દાવો છે.

સામે આવેલા દસ્તાવેજો અનુસાર કેટલાક પરમિટ રિન્યૂઅલ ફોર્મમાં મૂળ અરજદારની જગ્યાએ એજન્ટો અથવા અન્ય વ્યક્તિઓની સહી જોવા મળી હતી. કેટલાક અરજદારોએ સ્વ-ઘોષણામાં સ્વીકાર્યું હતું કે તેમના એજન્ટ અથવા ઓફિસ સ્ટાફે તેમના વતી ફોર્મ પર સહી કરી હતી.

વધારાના ₹25 હજાર લઈને તબીબી તપાસમાંથી મુક્તિ?

ગુજરાતમાં દારૂ પરમિટ માટે નશાબંધી વિભાગ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તબીબી સલાહ અને તપાસના આધારે પરમિટ આપવામાં આવે છે. પરમિટની મુદત પૂર્ણ થયા બાદ તેનું રિન્યૂઅલ કરાવવું પડે છે.

આક્ષેપ મુજબ અમદાવાદમાં 2023 દરમિયાન કેટલાક કેસમાં નિર્ધારિત ફી ઉપરાંત બ્રોકરોને ₹25,000 ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ અરજદારોને વ્યક્તિગત તબીબી તપાસમાંથી મુક્તિ આપવામાં આવી અને એજન્ટો અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા સહી કરાયેલા ફોર્મના આધારે પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.

અધિકારીએ શું કહ્યું?

અમદાવાદ નશાબંધી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ સાગર માંગરોલિયાના જણાવ્યા અનુસાર, 2023માં કેટલીક અરજીઓમાં મૂળ અરજદારની સહી ન હોવાની અને અન્ય વ્યક્તિઓ દ્વારા અરજીઓ રજૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી.

માહિતી મળ્યા બાદ મૂળ અરજદારોને વિભાગમાં રૂબરૂ બોલાવી તેમની સહી અને નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમિટ રિન્યૂ કરવામાં આવ્યા હતા. અધિકારીએ એ પણ જણાવ્યું કે તે સમયે આ પ્રક્રિયામાં ગેરરીતિ કરનાર કોઈ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહોતી.

હવે રિન્યૂઅલ પ્રક્રિયામાં ફેરફાર

આ ઘટના બાદ પરમિટ રિન્યૂઅલની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું છે. હવે અરજદારની વ્યક્તિગત હાજરી ફરજિયાત કરવામાં આવી છે અને વિભાગમાં રૂબરૂ સહી કરવાની રહે છે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. પારદર્શિતા માટે પ્રક્રિયાને ઓનલાઈન પણ કરવામાં આવી છે.

રિન્યૂઅલની સત્તાવાર ફી કેટલી?

આપવામાં આવેલી માહિતી અનુસાર, પરમિટ રિન્યૂ કરવા માટે ₹2,000 પ્રોસેસિંગ ફી, ₹2,000 મેડિકલ ફી અને ₹2,000 લાઇસન્સ ફી લેવામાં આવે છે. આ ઉપરાંત દર્દી કલ્યાણ બોર્ડમાં ₹15,000 જમા કરાવવાના હોય છે. એટલે રિન્યૂઅલનો કુલ સત્તાવાર ખર્ચ આશરે ₹21,000 થાય છે.

આની સામે, કેટલાક કેસમાં ₹21,000ની સત્તાવાર રકમ ઉપરાંત વધારાના ₹25,000 ચૂકવી તબીબી તપાસની પ્રક્રિયા ટાળવામાં આવી હોવાના આક્ષેપોએ પરમિટ રિન્યૂઅલની સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.