flydubai: ભારતીય પાયલટ સ્મિત મચ્છરે ઓમાની સહ-પાયલટ (co-pilot)ને ફ્લાયદુબઈની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત કરતા અટકાવ્યો અને આમ ૧૮૦ મુસાફરોનો જીવ બચાવ્યો. જોકે, આ ઘટના દરમિયાન ચાકુના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં પાયલટ અને સહ-પાયલટ વચ્ચે હિંસક ઝઘડો થતાં હવામાં ભયાનક કટોકટી સર્જાઈ હતી. લગભગ ૧૮૦ લોકોને લઈ જતી ફ્લાઈટ FZ1073 ને ઈમરજન્સી સિગ્નલ મળ્યા બાદ સાઉદી અરેબિયા તરફ વાળવી પડી હતી; ત્યારબાદ ભારતીય કેપ્ટને ત્યાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઘટના બાદ, પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના ૧૮૦ મુસાફરોનો જીવ બચાવવા બદલ ભારતીય કેપ્ટનની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
આ ભારતીય કેપ્ટનની ઓળખ સ્મિત મચ્છર તરીકે થઈ છે. તેઓ ૨૦૨૨માં સીધા કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તે પહેલાં, તેઓ સ્પાઈસજેટ (SpiceJet) સાથે પાયલટ તરીકે જોડાયેલા હતા, જ્યાં તેમણે ૧૧ વર્ષથી વધુ સમય સેવા આપી હતી. સ્પાઈસજેટમાં તેઓ સિનિયર કમાન્ડર અને બાદમાં લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે કાર્યરત હતા. તેમની લિંક્ડઈન (LinkedIn) પ્રોફાઇલ મુજબ, તેમની પાસે ૧૩ વર્ષથી વધુનો કોમર્શિયલ ફ્લાઈંગ અનુભવ છે અને તેમણે બોઈંગ ૭૩૭ (Boeing 737) વિમાનમાં લગભગ ૯,૭૫૦ ફ્લાઈટ કલાકનો અનુભવ મેળવ્યો છે, જેમાં ૬,૪૦૦ કલાકથી વધુ સમય ‘પાયલટ-ઈન-કમાન્ડ’ (મુખ્ય પાયલટ) તરીકેનો સમાવેશ થાય છે.
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં શું થયું? ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જવા રવાના થઈ હતી, પરંતુ ત્યારબાદ કોકપિટમાં પાયલટ સ્મિત મચ્છર અને ઓમાની સહ-પાયલટ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુક (Tabuk) તરફ વાળવામાં આવ્યું હતું, જ્યાં તે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ફ્લાયદુબઈએ પુષ્ટિ કરી છે કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
ઈઝરાયેલી અધિકારીઓ અને મુસાફરોના અહેવાલો અનુસાર, ઘટના દરમિયાન બંને પાયલટો વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે સહ-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કર્યો હતો. મુસાફરોના જણાવ્યા અનુસાર, કોકપિટની અંદર ચીસાચીસ અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. વિમાને ‘7500’ ટ્રાન્સપોન્ડર કોડ ટ્રાન્સમિટ કર્યો ત્યારે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ, જે સામાન્ય રીતે હાઇજેકિંગ અથવા ગેરકાયદેસર દખલગીરી દર્શાવવા માટે વપરાતો સંકેત હતો.
વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કરવાની શંકા
એવું કહેવામાં આવે છે કે ઓમાનના સહ-પાયલટ પર વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કરવાનો શંકા હતી, જેના કારણે ભારતીય કેપ્ટન સાથે અથડામણ થઈ હતી; કેપ્ટને મુસાફરોના જીવ બચાવવા માટે દરમિયાનગીરી કરી અને છરાથી ઘાયલ થયા હોવા છતાં સહ-પાયલટ સાથે લડવાનું ચાલુ રાખ્યું.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટના પર ટિપ્પણી કરતા કહ્યું કે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં એક પાયલોટે બીજા પાયલટ પર છરી વડે હુમલો કર્યો અને વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. નેતન્યાહૂએ ઉમેર્યું કે સાઉદી અરેબિયાના અધિકારીઓએ પાયલટની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે.




