trump: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ડ્રુ ડબ્લ્યુ. મેલોન ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન ‘America.gov’ પોર્ટલનું સત્તાવાર રીતે લોન્ચિંગ કર્યું. આ કાર્યક્રમમાં ટેક જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ, જેમાં એલન મસ્કનો પણ સમાવેશ થાય છે, ઉપસ્થિત રહ્યા હતા. AI-સંચાલિત આ ‘ઓલ-ઇન-વન’ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ડઝનબંધ સરકારી વેબસાઇટ્સ પર જવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવાનો અને વહીવટી જટિલતાઓને ઘટાડવાનો છે. ટ્રમ્પે આ પ્લેટફોર્મને સંચાલિત કરતી ટેક્નોલોજીને માત્ર AI ને બદલે “સુપર ઇન્ટેલિજન્સ” (SI) તરીકે સંબોધિત કરી હતી.
આ પોર્ટલ દ્વારા, સામાન્ય નાગરિકો સરકારી ફોર્મ, લાભો, યોજનાઓ અને પૂછપરછ સંબંધિત માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે. ટ્રમ્પે તમામ જાહેર સરકારી સેવાઓને આ પોર્ટલમાં એકીકૃત (integrate) કરવાનો આદેશ આપતો એક કાર્યકારી આદેશ (executive order) પણ હસ્તાક્ષર કરીને બહાર પાડ્યો હતો.
Gemini અને Grok ની શું ભૂમિકા?
આ પ્લેટફોર્મ Google ના Gemini અને xAI ના Grok નો ઉપયોગ કરે છે અને તેને વ્હાઇટ હાઉસ નેશનલ ડિઝાઇન સ્ટુડિયોના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યું છે.
વપરાશકર્તાઓ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. સરળ ભાષામાં પ્રશ્નોના જવાબ મેળવવાથી સંઘીય (federal) સેવાઓને સમજવી સરળ બનશે.
ઝુકરબર્ગ અને પિચાઈ સહિતના CEO ભાગ લેશે
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વની મોટી ટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓના વડાઓ સાથે મુલાકાત કરવાના છે. આ બેઠક AI ના ઝડપી વિકાસ, તેની સુરક્ષા અને સરકારની ભૂમિકા અંગે યુએસમાં ચાલી રહેલી તીવ્ર ચર્ચા વચ્ચે યોજાઈ રહી છે.
અહેવાલો અનુસાર, આ બેઠકમાં મેટા (Meta) ના CEO માર્ક ઝુકરબર્ગ, એન્થ્રોપિક (Anthropic) ના CEO ડેરિયો એમોડેઈ, ગૂગલ (Google) ના CEO સુંદર પિચાઈ, એનવીડિયા (Nvidia) ના CEO જેન્સેન હુઆંગ અને પેલેન્ટિર (Palantir) ના CEO એલેક્સ કાર્પ હાજરી આપે તેવી શક્યતા છે. OpenAI ના ગ્રેગ બ્રોકમેન પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. યુએસ હાઉસ સ્પીકર માઈક જોહ્ન્સન પણ ત્યાં ઉપસ્થિત રહેશે.
AI સુરક્ષા અને સરકારની ભૂમિકા પર ચર્ચા
આ બેઠકમાં AI ક્ષેત્રે નવીનતા (innovation) અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. માઈક જોહ્ન્સનના જણાવ્યા અનુસાર, ચર્ચા AI કંપનીઓની સુરક્ષા અંગેની જવાબદારીઓ અને આ ક્ષેત્રમાં સરકારની ભૂમિકાના વ્યાપ પર કેન્દ્રિત રહેશે. તેમણે AIના વિકાસને અટકાવવા અથવા અત્યંત કડક નિયમો લાદવાનો વિરોધ કર્યો છે.
જોહ્ન્સનનું માનવું છે કે AIના ક્ષેત્રમાં ચીન સામેની પોતાની અગ્રણી સ્થિતિ ગુમાવવાનું અમેરિકા પરવડી શકે તેમ નથી. તેઓ પારદર્શિતા અને જરૂરી દેખરેખની સાથે AIનો વિકાસ ચાલુ રાખવાની હિમાયત કરે છે.




