Barda Wildlife Sanctuary: બરડા પ્રદેશને એશિયાઈ સિંહો માટે ગૌણ નિવાસસ્થાન તરીકે વિકસાવવાની યોજનાને વધુ મજબૂત બનાવવા માટે, ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગના માળખામાં મોટો ફેરફાર કર્યો છે. આ પુનર્ગઠનનો હેતુ વન વ્યવસ્થાપનને મજબૂત બનાવવા, જમીન-સ્તરીય દેખરેખ વધારવા અને વન્યજીવન સંરક્ષણ યોજનાઓના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવાનો છે.
આશરે ૧૪૩ વર્ષના લાંબા ગાળા પછી, સિંહો કુદરતી રીતે બરડા પ્રદેશમાં પાછા ફર્યા છે. આને ધ્યાનમાં રાખીને, વન વિભાગે પેટ્રોલિંગ, સ્થાનિક દેખરેખ અને માનવ-વન્યજીવન સંઘર્ષને રોકવા માટે રેન્જ, બીટ અને અધિકારી સ્તરે જવાબદારીઓ સ્પષ્ટ કરી છે.
નવો વહીવટી વિભાગ અને વિસ્તાર
પોરબંદર રેન્જ: હવે 80 ગામોમાં કુલ 6,840.84 હેક્ટર વિસ્તારને આવરી લેશે. તેમાં પોરબંદર શહેર, ગોસાબારા, મોકર, વિસાવડા, કાંટેલા, માધવપુર અને સતિયા જેવા મુખ્ય બીટનો સમાવેશ થાય છે.
રાણાવાવ રેન્જ: તે ગોધના, બિલેશ્વર અને રાણાવાવ જેવા ગામો સહિત 27 ગામોમાં કુલ 13,051.25 હેક્ટર વિસ્તારને આવરી લે છે.
જામનગરથી પોરબંદર વિભાગમાં વિસ્તારનું ટ્રાન્સફર
વહીવટી સુવિધા માટે, ભાણવડ તાલુકાના ચાર ગામોમાં 305.94 હેક્ટર વન વિસ્તાર, જે અગાઉ જામનગર વન વિભાગના RF/W ભાટિયા રેન્જ હેઠળ હતો, તેને હવે પોરબંદર વન વિભાગના ભાણવડ રેન્જમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
વધુમાં, કુતિયાણા, પોરબંદર સામાજિક વનીકરણ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જનું વહીવટી નિયંત્રણ પણ પોરબંદર વન વિભાગ હેઠળ મૂકવામાં આવ્યું છે. વહીવટને ઝડપી બનાવવા માટે, નવા માળખા મુજબ વાહનો, શસ્ત્રો, વાયરલેસ સેટ, ઓફિસ સાધનો અને સ્ટાફની ફાળવણી પણ પૂર્ણ કરવામાં આવી છે.




