Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હમણાં દુષ્કાળની હાલત દરમિયાન દુષ્કાળનો ’દ’ પણ ન બોલનાર એક પાર્ટીના નેતાઓ અત્યારે પક્ષીઓ બાજરાના ખેતરોમાં ઉતરી આવે છે એમ ભાડથર જિલ્લા પંચાયતની સીટની ચૂંટણીમાં ઉતરી આવ્યા છે. જાતિ-જ્ઞાતિના આગેવાનો આવી ગયા, વેવાઈઓને મોકલ્યા, સગા સંબંધીઓ અને કોન્ટ્રાક્ટરોને પણ મોકલ્યા છે, કારણ કે એ લોકો ફક્ત ગમે તેમ કરીને ભાડથર જિલ્લા પંચાયતની સીટ જીતવા માંગે છે, એ લોકો એવી વાતો કરે છે કે “આપણી આબરૂનો સવાલ છે..” એ લોકો પર મને એટલી દયા આવે છે, ક્યાં સુધી તમે લોકોને ભરમાવશો? એક પોન્ઝી સ્કીમ આવતી હતી એમાં એકના ડબલ કરવાની વાત હતી અને એમાં લોકો પોતાના સગાઓને ખેંચી લાવતા હતા અને જ્યારે પોન્ઝી સ્કીમ ઉઠી જાય ત્યારે લોકો પોતાના એજન્ટ પકડવા જાય તો એ પોતાનો મામાનો કે કાકાનો દીકરો હોય કે ભાઈ હોય છે. આવી સ્થિતિ અત્યારે ભાડથર જિલ્લા પંચાયતની સીટ પર જોવા મળી રહી છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું ખેડૂતોને અપીલ કરવા માગું છું કે આ ખેડૂતોના હકની લડાઈની ચૂંટણી છે, આ કોઈ સામાન્ય પેટા ચૂંટણી નથી. આ ચૂંટણી ખેડૂતો માટે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથેની ચૂંટણી છે. જો દુષ્કાળ જાહેર કરાવવો હોય તો ભાડથરની સીટમાં આમ આદમી પાર્ટીને જીતાડવી પડશે અને ભાજપને હરાવવું પડશે, જો આવું થશે તો બીજા દિવસે આ લોકો દુષ્કાળ જાહેર કરશે. જો આ લોકો ફરીથી જીતી ગયા તો એ કહેશે કે “લોકોને કોઈ તકલીફ નથી..” માટે આ ચૂંટણી ખેડૂતોની એકતાની ચૂંટણી છે. જીઆઇડીસી, જીપીસીબીના કોઈના ચેરમેન નથી, જો તમને એટલી જ પીડા હોય ડોક્ટર સાહેબની તો ચેરમેન બનાવી દો. ખેડૂતો તમને ગામમાં ઘુસવા નહોતા દેતા એટલા માટે તમે ડોક્ટર સાહેબના નામનો ઉપયોગ કરો છો જે યોગ્ય નથી. જે લોકો ભાડથર કે ખંભાળિયામાં સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરવા માંગતા હોય એ લોકો પોતાના નામ અને નંબર મારા પર્સનલ ઇનબોક્સમાં મોકલે, મારી વિનંતી છે કે મારી ટીમમાં આપ જોડાઓ.