Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર હોવા છતાં અનેક ગંભીર મુદ્દાઓ પર ગુજરાત અગ્રેસર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અને રિપોર્ટ મુજબ, માતાના પેટમાં બાળક મેલ છે કે ફીમેલ (ભ્રૂણ પરીક્ષણ) તેની તપાસ બાબતમાં તેમજ અન્ય ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થાના મામલે ગુજરાત મોખરે છે. સરકાર ‘બેટી બચાવો’ની મોટી મોટી વાતો કરે છે અને કરોડો રૂપિયા જાહેરાતો પાછળ વેડફી નાખે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ભ્રૂણ પરીક્ષણ જેવા ગંભીર અપરાધો અટકવાનું નામ નથી લેતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. દારૂ, તેમજ ભ્રૂણ પરીક્ષણ કે લિંગ પરીક્ષણ જેવા મામલાઓમાં ગુજરાત મોખરે છે અને કાયદાની યોગ્ય અમલવારી થતી નથી. માતાના પેટમાં બાળક મેલ છે કે ફીમેલ તેની ચકાસણી કરવી એ ગેરકાયદેસર છે, અને તેમાં ગુજરાતનું સ્થાન અગ્રેસર છે. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને, કે કરપ્શનને કયા લેવલ પર તમે લઈ ગયા છો! દારૂ હોય, ડ્રગ્સ હોય, મહિલા સુરક્ષાની વાત હોય, બાળકોનું ભણતર હોય કે આજે લિંગ પરીક્ષણની વાત હોય—બધામાં ગુજરાત મોખરે છે. કાયદાનું જાણે કરપ્શન જોડે કનેક્શન કરી નાખ્યું છે. કરપ્શન એટલું બધું વધારી દીધું છે કે ગુજરાતમાં કાયદાથી કોઈ ડરતું જ નથી. અને માત્રને માત્ર એટલા માટે જ ગુજરાતની જનતાની આ પરિસ્થિતિ આવી ગઈ છે કે, દરેક સ્થાને જ્યારે ગુજરાતની વાત આવે, ત્યારે કાયદાની વિરુદ્ધમાં ગુજરાતનું સ્થાન સૌથી ઉપર પહોંચી જાય છે.
’આપ’ નેતા ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ હવે સમજવાનું છે કે ભારતીય જનતા પાર્ટી એટલું કરપ્શન કરી રહી છે કે તેમના મોટા નેતાઓથી લઈને તમામ લોકોની સંડોવણીના કારણે આજે ગુજરાતની આ પરિસ્થિતિ આવી ગઈ છે. હું લોકોને વિનંતી કરું છું કે પૂરા ભારતમાં લિંગ પરીક્ષણ એ એક ગુનો છે. માતાના પેટમાં બાળક મેલ છે કે ફીમેલ છે તે જાણવું એ ગેરકાનૂની અપરાધ છે, માટે તમે કોઈપણ જગ્યાએ આવું પરીક્ષણ ના કરો, કારણ કે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. મારે ગૃહ મંત્રાલયને કહેવું છે કે, તમે કાયદો તો બનાવી દીધો છે અને ભારત દેશમાં કાયદો લાગુ પણ છે, છતાં ગુજરાતમાં આની કડક અમલવારી થવી જોઈએ જેથી કોઈપણ ડૉક્ટર આવું પરીક્ષણ કરતાં ૧૦ વાર વિચાર કરે. આજે જેટલા કેસો પકડાયા છે, તેમની સામે એવી કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને એવી સજા થવી જોઈએ કે જેથી બીજો કોઈ ડૉક્ટર આવું કરતા પહેલા સો વાર વિચારે કે જો હું પકડાઈશ તો મારી શું દશા થશે! આવા ડૉક્ટરોનાં લાયસન્સ હંમેશાં માટે રદ કરી દો અને એવા સખત કાયદા બનાવો કે તેઓ ક્યારેય પોતાનું ક્લિનિક ન ખોલી શકે. નહીંતર, જેમ દિવસને દિવસે ડ્રગ્સ અને દારૂ ઠેર-ઠેર વેચાઈ રહ્યો છે અને લોકોને મળી રહ્યો છે, તેવી જ રીતે આ લિંગ પરીક્ષણના આંકડા પણ દિનપ્રતિદિન વધતા જ જશે.




