Bhowmik Pathak AAP: આમ આદમી પાર્ટીના ગાંધીનગર લોકસભા સંગઠન મંત્રી ભૌમિક પાઠક થલતેજ વોર્ડ પ્રમુખ અનમોલ મહેતા અને ⁠ગોતા વોર્ડ સંગઠન મંત્રી રામ પાલ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ગોતામાં ખરાબ રસ્તાઓનો અનોખી રીતે દીવો પ્રગટાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ભૌમિક પાઠકે ઘાટલોડિયાના ખરાબ રસ્તાઓ બતાવતા જણાવ્યું હતું કે, કહેવામાં આવી રહ્યું છે કે આપણે આઝાદીના અમૃત કાળમાં જીવી રહ્યા છીએ અને આપણે ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડ નંબર 1 માં જોઈ રહ્યા છીએ કે અમૃત કાળમાં આપણને કેવા રસ્તા મળી રહ્યા છે. અહીંયાના રોડ મગરની પીઠ જેવા થઈ ગયા છે. અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જનતાને જે વ્યવસ્થા અને સુવિધા આપવામાં આવી રહી છે તેમાં સદંતર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે રોડ હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ હોય કે બીજી કોઈ પણ સુવિધાઓ હોય એમાં ભ્રષ્ટાચાર ઘુસી ગયો છે. અહીંયા બાજુમાં સ્મશાન છે એટલે જાણે કે એવું લાગી રહ્યું છે કે સરકારે વ્યવસ્થા કરી હોય કે આ ખાડામાં કોઈ પડી જાય અને મરી જાય તો સીધા તમારે સ્મશાનમાં પહોંચી જવાનું અને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ભૌમિક પાઠકે જણાવ્યું હતું કે, આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો છે અને એમના વિસ્તારમાં એકદમ તૂટી ગયેલો રોડ આપણને હાલ જોવા મળી રહ્યો છે. તો આજે અમે આમ આદમી પાર્ટીના ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ આ રોડ પાસે આવ્યા છીએ અને અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છીએ. અહીંયા અમે દીવા પ્રગટાવી રહ્યા છીએ કારણકે અમે અંધકારથી પ્રકાશ તરફ લોકોને લઈ જવા માંગીએ છીએ અને અમે સરકારને પણ કહેવા માંગે છે કે અમે નિરાશાથી આશા તરફ જવા માંગીએ છીએ. ગુજરાતમાં ’દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ છે તો હવે તમારે પ્રજાના પ્રશ્નોને સાંભળવા પડશે અને પ્રજાની સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે. ગોતા વોર્ડના જેટલા સત્તાધીશો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડનું કામ શરૂ થવું જોઈએ.