આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ જિલ્લાની સંકલન ફરિયાદ સમિતિની મીટિંગ હતી. અમારો ચૂંટણી જીત્યા પછીથી આજ દિવસ સુધીનો લાંબા સમયનો જે ગૂંચવાડો પેન્ડિંગ હતો, તેને લઈને રજૂઆત કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીના ગામમાં પણ ગ્રામ પંચાયતનું મકાન નથી. હું ચૂંટણી જીત્યો ત્યારથી એક વર્ષથી તમામ સ્તરે રજૂઆત કરી રહ્યો હતો. હજી સુધી ગ્રામ પંચાયત બનવાના કોઈ ઠેકાણા નહોતા, પણ આજે સારા સમાચાર મળ્યા છે કે કાલાવડ ગામમાં ગ્રામ પંચાયત મંજૂર થઈ ગઈ છે. આ સિવાય હું છેલ્લા એક વર્ષથી સંકલન ફરિયાદ સમિતિમાં લડાઈ લડતો હતો. આ અંગે મંત્રી, પંચાયત સચિવ અને વિકાસ કમિશનરને મળ્યો હતો. આપણા મતવિસ્તારના જૂની ધારી, ગુંદાલી, ઈસાપુર, સેમરાલા, કાલાવડ, દોલવા અને ભાટગામ જેવા ગામડાઓની ગ્રામ પંચાયતો મંજૂર થઈ ગઈ છે. ખાસ કરીને જૂની ધારી, ગુંદાલી અને ઈસાપુરની ગ્રામ પંચાયત મંજૂર થઈ છે તેનો પત્ર પણ મને મળ્યો છે. દોલવા ગામની ગ્રામ પંચાયત બનાવવાનું કામ શરૂ થયું હતું, પરંતુ તલાટી મંત્રીએ ગૌચરની જગ્યા હોવાનું કહીને કામ બંધ કરાવ્યું હતું. આજે દોલવા ગામની ગ્રામ પંચાયતના પ્રશ્નનો પણ નિકાલ આવ્યો છે. કલેક્ટર સાહેબે દોલવા ગામમાં ગ્રામ પંચાયતનું કામ ફરી શરૂ કરવાનો આદેશ કર્યો છે. ભાટગામની ગ્રામ પંચાયતને પણ મંજૂરી મળી ગઈ છે અને સેમરાલા ગામની ગ્રામ પંચાયતના રિપેરિંગ કામ માટે પણ આજે મંજૂરી મળી ગઈ છે.

રસ્તા અને અન્ય પ્રશ્નો અંગે વાત કરતાં ધારાસભ્ય Gopal Italiaએ કહ્યું કે, રતાંગ, મિયાંવડલા અને મોટી મોણપરી રોડ આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં મંજૂર થયેલો છે, પણ હજી સુધી બન્યો નહોતો. તેની જમીન સંપાદનના મુદ્દા પર આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે અને કલેક્ટર સાહેબે આદેશ કર્યો છે કે રતાંગ-મિયાંવડલા-મોટી મોણપરી રોડના સંપાદનની દરખાસ્ત ઝડપથી સરકારમાં મોકલવામાં આવે. આ ઉપરાંત, વિસાવદરની તાલુકા અદાલત અને વિસાવદરની હોસ્પિટલ બનાવવા માટે સરકારે જે જગ્યા ફાળવેલી છે, ત્યાં વીજળી કંપની (PGVCL/જેટકો)ના થાંભલા ઊભા છે. વારંવાર પત્રો લખવા છતાં વીજળી કંપની થાંભલા ખસેડતી નહોતી. આજે મીટિંગમાં આ મુદ્દો ઉઠાવતાં નિર્ણય લેવાયો છે કે જેટકો/વીજળી કંપની વિસાવદરની અદાલત, દવાખાનું અને વિસાવદરનો બાયપાસ રસ્તો બનાવવાના માર્ગમાં આવતા થાંભલા ખસેડી લેશે. આથી હવે તાલુકા અદાલત, દવાખાનું અને બાયપાસ બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સરસાઈ ગામમાં પણ એક બહુ મહત્વનો મુદ્દો વર્ષોથી પેન્ડિંગ હતો. સરસાઈ ગામે નવું ગામ તળ જોડવામાં આવ્યું હતું, જેની અંદર કેટલાંક પ્લોટ જાહેર હરાજીમાં વેચવાના બાકી હતા અને તેનો નિર્ણય અટકેલો હતો. ગઈ મીટિંગમાં પણ મારો આ પ્રશ્ન હતો અને આ મીટિંગમાં પણ મેં આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. જેના પરિણામે આજે કલેક્ટર સાહેબે વિસાવદરના ઇનચાર્જ TDO/DDO ને આ જાહેર હરાજીના પ્રશ્નનો ઝડપથી નિકાલ લાવવાનો અને સરસાઈ ગામના તમામ પ્લોટની જાહેર હરાજી માટેનું જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે.

’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આગળ ઉમેર્યું કે, ગઈકાલે અમારા મત વિસ્તારમાં એક રોડનું ખૂન થયું, નાદાનિયત કે નીતિવિહીનતાના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ભેગા મળીને રોડની હત્યા કરી છે. ભટવાવડીથી લુંઘિયા રોડ સન ૨૦૨૦-૨૧માં માનનીય સરકારે એક કરોડ ત્રીસ લાખના ખર્ચે મંજૂર કર્યો હતો. કોન્ટ્રાક્ટરે થોડું કામ ચાલુ કર્યું અને પછી બંધ કરી દીધું. આજે ૨૦૨૬માં નવું ટેન્ડર બહાર પડ્યું અને ૨ કરોડ ૧૨ લાખના ખર્ચે નવી એજન્સીને કામ સોંપાયું, પણ નવી એજન્સીએ કામ શરૂ કરવાને બદલે વધારાના પૈસા (એક્સેસ)ની માંગણી કરી. આજે મીટિંગમાં મેં આ મુદ્દો ઉઠાવ્યો કે જેતલવડથી ગોળાસર, ભટવાવડીથી લુંઘિયા, લીલિયાથી જાંબાળા અને ખાંબાથી ઈશ્વરિયા – આ ચારેય રોડનું ખૂન થયું છે. આ ચારેય રોડને હવે ફરીથી વહીવટી પ્રક્રિયા કરી સજીવન કરી, નવા રોડ બનાવવા માટેની પ્રોસેસ થાય. મેં આજે સ્પષ્ટ કહ્યું છે કે જો રોડ ન બનાવવો હોય તો લખીને આપી દો કે હવે નથી બનાવવો, એટલે વાત પૂરી થાય અને અમે તથા જનતા પણ એ ભૂલી જઈએ. આ સિવાય અમારા વિસાવદર તાલુકાના મોટી મોણપરી-સરસાઈથી ચાંપરડા સુધીનો જે રોડ વર્ષો પહેલાં મંજૂર થયો છે, તેની માપણીનું કામ ચાલુ છે અને આજે એની ઉપર પણ ચર્ચા થઈ છે. તેમજ વિસાવદરના રાજપરા ગામ પાસે ૬૬ કેવી (66 KV) સબસ્ટેશન બની રહ્યું છે, તેનું કામ પણ ઝડપથી પૂરું થાય તે બાબતે મીટિંગમાં ચર્ચા થઈ છે. આ ઉપરાંત ભેસાણ મતવિસ્તારના કામો જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયા છે, તેમાં ખાસ કરીને વિસાવદર, મંડોર, ચુડા, ધોલવા, ભેસાણ અને ગોળાસર ગામના કામો વહેલી તકે શરૂ થાય અને સમયસર પૂરા થાય તે બાબતે રજૂઆત કરી છે. ખાસ બાબત એ છે કે અમારા વિસાવદરમાં મુખ્યમંત્રીએ ૨૦ કરોડના ખર્ચે સતાધાર બાયપાસ મંજૂર કર્યો છે, જેનાથી વિસાવદરના લોકોને ખૂબ સરળતા રહેશે અને મોટો ફાયદો થશે.