ICC: તાવેંગ્વા મુખુલાનીની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ડેપ્યુટી ચેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ નવેમ્બર ૨૦૨૭ સુધી આ પદ સંભાળશે. મુખુલાની હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટના ચેરમેન છે અને ICC બોર્ડમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમરાન ખ્વાજાના વિદાય બાદ તેઓ આ નવી જવાબદારી સંભાળી રહ્યા છે. મુખુલાની ICCની ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ (F&CA) સમિતિ અને નોમિનેશન્સ સમિતિના સભ્ય છે. આ ઉપરાંત, તેઓ ICCની HR અને વેતન (Remuneration) સમિતિનું નેતૃત્વ પણ કરે છે. ડેપ્યુટી ચેરની ભૂમિકા સ્વીકારીને, તેઓ ICCમાં આ મહત્વપૂર્ણ પદ સંભાળનાર ઝિમ્બાબ્વેના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

તેમની નિમણૂક આફ્રિકન ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સમયે થઈ છે, કારણ કે ઝિમ્બાબ્વે – દક્ષિણ આફ્રિકા અને નામિબિયાની સાથે – ૨૦૨૭માં ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું સહ-આયોજન કરવા જઈ રહ્યું છે. ઝિમ્બાબ્વે ક્રિકેટમાં તેમના નેતૃત્વના અનુભવ અને પ્રાદેશિક સમજનો લાભ લઈને, મુખુલાની મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડશે, કારણ કે ICC ૨૪ વર્ષમાં પ્રથમ વખત આ મોટી ટુર્નામેન્ટને આફ્રિકામાં પાછી લાવી રહ્યું છે.

નિમણૂક અંગે મુખુલાનીની પ્રતિક્રિયા

પોતાની નિમણૂક અંગે વાત કરતા મુખુલાનીએ કહ્યું, “મારા સાથી ICC બોર્ડ ડિરેક્ટર્સે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી હું અત્યંત ગૌરવ અનુભવું છું અને ICC ડેપ્યુટી ચેર તરીકે સેવા આપવાની તક મળવા બદલ આભારી છું. હું અમારા ચેર જય શાહ સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું, જેમનું નેતૃત્વ, ઊર્જા અને મહત્વાકાંક્ષાએ ICCને એક સ્પષ્ટ ઉદ્દેશ્ય આપ્યો છે – જેમાં રમતનો વિકાસ કરવો, અમારા સભ્યો માટે તકો ઊભી કરવી અને નવા પ્રેક્ષકો તથા બજારો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.”

તેમણે ઉમેર્યું, “ક્રિકેટ એક રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સમાં તેની વાપસી અને તેના સતત વૈશ્વિક વિસ્તરણ સાથે. હું અમારા સહિયારા પ્રાથમિકતાઓને આગળ વધારવા અને વૈશ્વિક સ્તરે રમતનાં શ્રેષ્ઠ હિતોની સેવા કરવા માટે અમારા ચેર જય શાહ અને મારા સાથી બોર્ડ ડિરેક્ટર્સને સમર્થન આપવા માટે આતુર છું.” જય શાહે મુખુલાનીના અનુભવની પ્રશંસા કરી
આઈસીસી (ICC)ના ચેરમેન જય શાહે કહ્યું, “આઈસીસીના ડેપ્યુટી ચેર તરીકે ચૂંટાયેલા તવેંગવા મુખુલાનીને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ક્રિકેટ વહીવટમાં તેમનો અનુભવ, વૈશ્વિક સ્તરે રમતની સમજ અને તેના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આઈસીસી બોર્ડ માટે અમૂલ્ય સાબિત થશે. તવેંગવાએ તેમના સાથી ડિરેક્ટરોનો વિશ્વાસ જીત્યો છે. આપણા સભ્ય દેશોમાં ક્રિકેટને મજબૂત બનાવવા અને વિશ્વભરમાં આ રમતનાં વિકાસ માટે વધુ તકો ઊભી કરવાના તેમના પ્રયાસોમાં હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પસંદગી ઝિમ્બાબ્વે માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તેઓ ડેપ્યુટી ચેરનું પદ સંભાળનારા પ્રથમ ઝિમ્બાબ્વેન બન્યા છે. ક્રિકેટનો વૈશ્વિક સ્તરે વિસ્તાર થઈ રહ્યો છે અને તે ઓલિમ્પિક ગેમ્સમાં પરત ફરી રહ્યું છે, ત્યારે મજબૂત નેતૃત્વ અત્યંત આવશ્યક રહેશે. હું તવેંગવાને તેમની નવી ભૂમિકા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.”