Prabhudasbhai Satasia: રાજ્યમાં ધીમે ધીમે આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. પક્ષની સતત વધી રહેલી કામગીરી અને લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં વિસાવદર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય Prabhudasbhai Satasia કોંગ્રેસ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા આમ આદમી પાર્ટીના વિચાર અને કામગીરીથી પ્રભાવિત થઈને જોડાયા છે, જે પક્ષ માટે આનંદની વાત છે. સામે પક્ષે પ્રભુદાસભાઈ સતાસિયાએ પણ ઉમેર્યું હતું કે, વિસાવદર વિસ્તારમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રજાહિતના સારા કાર્યોથી પ્રેરાઈને તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.




