Governor Acharya Devvrat: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને યુરિયા, ડીએપી અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને કુદરતી ખેતી તરફ વળવા અપીલ કરી છે. ગુજરાતના આશરે 9 લાખ ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડવાના અભિયાન અંતર્ગત યોજાયેલા પરિસંવાદમાં તેમણે રાસાયણિક ખેતીના જમીન અને પર્યાવરણ પર થતા પ્રભાવ અંગે વાત કરી હતી.
Governor Acharya Devvrat દાવો કર્યો હતો કે 105 માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા, જંતુનાશકો અને ડિટર્જન્ટના અંશો મળી આવ્યા હતા. તેમણે આ ઉદાહરણ આપીને રાસાયણિક ખેતીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે તેમણે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપતી વખતે કુદરતી ખેતીનું અભિયાન શરૂ કર્યું હતું અને આશરે 2.5 લાખ ખેડૂતોને તેની સાથે જોડ્યા હતા. હવે ગુજરાતમાં પણ આ અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.
રાજ્યપાલે હરિયાળી ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અગાઉ જમીનમાં કાર્બનનું પ્રમાણ વધુ હતું, જ્યારે રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તેમના જણાવ્યા મુજબ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનની અંદરના સૂક્ષ્મજીવો અને અળસિયાં સહિતના ઉપયોગી જીવોને નુકસાન પહોંચાડે છે.
જીવામૃતથી જમીનનું પુનર્જીવન
આચાર્ય દેવવ્રતે કુદરતી ખેતીમાં જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, દાળ અથવા ચણાનો લોટ અને માટીનો ઉપયોગ કરીને જીવામૃત તૈયાર કરવામાં આવે છે, જે જમીનમાં ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે.
પરિસંવાદમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી માહિતી અને પ્રસારણ વિભાગ તથા મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને કૃષિ વિભાગના મુખ્ય સચિવ આર.સી. મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કુદરતી ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને દેશી ગાયના ઉછેર માટે વાર્ષિક ₹12,000ની સહાય આપવામાં આવે છે. પરંપરાગત બીજોના સંરક્ષણ અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય નફો મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કૃષિ વિભાગના મુખ્ય સચિવ આર.સી. મીણાના જણાવ્યા મુજબ કુદરતી ખેતી માટે ખેડૂતોને તાલીમ આપવા માટે 48,900 ક્લસ્ટર અને 7,500 મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ કુદરતી ખેતીથી ઉત્પાદિત અનાજ અને અન્ય ઉત્પાદનોના વેચાણ માટે રાજ્યમાં 300 વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હોવાનું ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું.




