આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વિડીયોના માધ્યમથી રાજ્યમાં ઉદ્ભવેલી ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, મજૂરો અને વાવેતર કરનારા ભાગિયાઓ અત્યંત ચિંતિત છે. ભાજપ સરકારના મંત્રીઓ એવાં નિવેદનો આપી રહ્યા છે જેનાથી ખેડૂતોની ચિંતા વધી રહી છે. મંત્રી એવું નિવેદન કરે છે કે ૩૦ સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થયા પછી આકારણી કરીને દુષ્કાળ અંગે વિચારણા કરાશે, જે અત્યંત શરમજનક છે. દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે અને અમે પોતે ગામડાઓમાં જઈને સુકાઈ ગયેલા મગફળીના પાક જોયા છે. કદાચ હવે બે ઇંચ વરસાદ પડે તો પણ સુકાઈ ગયેલા પાકમાં કાંઈ પાછું આવે તેમ નથી. રાજ્ય સરકારના 2016ના નોર્મ્સ પ્રમાણે પણ સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય છે, છતાં સરકાર કોઈ આકરાં પગલાં લેતી નથી.
’આપ’ નેતા Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવાં માફ કરવા માટે તત્પર રહે છે પરંતુ ખેડૂતો અને પશુપાલકોને રેઢા મૂકી દીધા છે. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો પોપટ બની ગયા છે અને ખેડૂતોના હિતમાં સરકાર પર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે વાસ્તવિક સ્થિતિ જોવા મુખ્યમંત્રીને પોતે હેલિકોપ્ટર લઈને કલેક્ટર સાથે દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને તાત્કાલિક ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાવી દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી હતી. હાલના સમયે પીવાના પાણી, સિંચાઈના પાણી અને ઘાસચારાની ભારે અછત છે, તેથી સરકારે માત્ર એક-બે ગાંસડી ઘાસ આપીને સંતોષ માનવાને બદલે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તથા મનરેગા હેઠળ કામના દિવસો વધારવા જોઈએ. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મંત્રી પોતાના નિવેદનમાં ફેરફાર કરીને નવું નિવેદન આપે, ખેડૂતોને આશ્વાસન આપે અને વહેલી તકે દુષ્કાળ જાહેર કરે તેવી માંગ છે.




