Gujarat Rain News: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
ઉત્તર Gujaratમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા
અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 595.7 મીમી નોંધાયો છે, જે સામાન્ય કરતાં 88.2 મીમી ઓછો છે.
15 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 15 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
16 સપ્ટેમ્બરે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે કોઈ મોટી હવામાન સિસ્ટમમાં ફેરફારની આગાહી નથી.
દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી આશરે 9.4 કિમી સુધી વિસ્તરેલું છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં 4.5થી 5.8 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ હવામાન પરિબળોને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે.




