Ahmedabad airport News: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પરથી હબ-એન્ડ-સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા કામગીરીનો પ્રારંભ કરશે. અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બનશે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટ્રાફિક માટે ભારતના હબ-એન્ડ-સ્પોક માળખા સાથે સંકલિત થશે.
આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના શહેરોના મુસાફરોને મોટા હબ એરપોર્ટ મારફતે આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે સરળ અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ હેઠળ દેશભરમાં કુલ 44 એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.
કેવી રીતે કામ કરશે હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ?
હબ-એન્ડ-સ્પોક મોડેલમાં નાના શહેરોના એરપોર્ટને ‘સ્પોક’ અને મોટા કેન્દ્રીય એરપોર્ટને ‘હબ’ તરીકે જોડવામાં આવે છે. નાના શહેરોથી મુસાફરો હબ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી તેઓ આંતરરાષ્ટ્રીય અથવા લાંબા અંતરની કનેક્ટિંગ ફ્લાઇટમાં આગળ વધી શકશે.
નવી વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી તપાસનો મોટો હિસ્સો મુસાફરોના મૂળ એરપોર્ટ પર જ પૂર્ણ કરવામાં આવશે.
મુસાફરોને મળશે આ સુવિધાઓ
સામાન, કસ્ટમ અને ઇમિગ્રેશનની તપાસ: મુસાફરોના સામાનની તપાસ તેમજ કસ્ટમ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા તેમના મૂળ એરપોર્ટ પર જ પૂર્ણ કરવામાં આવશે.
ફરીથી સુરક્ષા તપાસની જરૂર નહીં: હબ એરપોર્ટ પર પહોંચ્યા બાદ મુસાફરોને ફરી સુરક્ષા તપાસ અથવા ચેક-ઇન પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. તેઓ સીધા આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન વિસ્તારમાં જઈ શકશે.
સામાનનું ઓટોમેટિક ટ્રાન્સફર: હબ એરપોર્ટ પર એરલાઇન દ્વારા મુસાફરોનો સામાન એરસાઇડથી તેમની આગામી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુસાફરોએ પોતાનો સામાન ફરી એકત્રિત કરીને ચેક-ઇન કરવાની જરૂર રહેશે નહીં.
એરલાઇન્સનો ખર્ચ ઘટશે: દરેક નાના શહેરથી અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની જરૂર નહીં રહે. તેના કારણે એરલાઇન્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
મુસાફરો માટે કેમ મહત્વપૂર્ણ?
હબ-એન્ડ-સ્પોક સિસ્ટમથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોનો સમય અને મહેનત બંને બચશે. કનેક્ટિંગ ફ્લાઇટ દરમિયાન ફરી ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં લાગતો સમય ઘટશે.
આ ઉપરાંત મોટા એરપોર્ટ પર મુસાફરો અને સામાનની પુનઃતપાસનું દબાણ ઘટવાથી ટર્મિનલની કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બની શકે છે.
વિશ્વના અનેક મોટા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કેન્દ્રોમાં હબ-એન્ડ-સ્પોક મોડેલનો ઉપયોગ થાય છે. ભારતમાં પણ આ વ્યવસ્થાના વિસ્તરણથી નાના શહેરોને વૈશ્વિક હવાઈ કનેક્ટિવિટી સાથે વધુ સરળતાથી જોડવાનો માર્ગ ખુલશે.




